રાજકોટમાં ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય ‘SVUM 2027’ આંતરરાષ્ટ્રીય વેપાર મેળો
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જામશે ‘મીની વેપાર કુંભ’, ૩૦થી વધુ દેશોના ૨૦૦ ડેલિગેટ્સ ઉમટશે
યુગાન્ડા અને ઝિમ્બાબ્વેના ગુજરાતી કોમર્સ મિનિસ્ટર પણ ઉપસ્થિત રહેવાની સંભાવના; ઉત્પાદકોને MDA સ્કીમ હેઠળ રૂ.૧ થી ૨ લાખની સબસીડીનો લાભ, મુલાકાતીઓ માટે પ્રવેશ વિનામૂલ્યે
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા સતત ૧૩મી વખત આગામી તા.૧૧ થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળા ‘SVUM 2027’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારો આ મેળો સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ ત્રણ પ્રકારના વેપારનો અનોખો ‘ત્રિવેણી સંગમ’ અને ‘મીની વેપાર કુંભ’ બની રહેશે. આ મેળામાં ૧૦,૦૦૦થી વધુ સ્થાનિક મુલાકાતીઓ ભાગ લે તેવી શક્યતા છે, જેમના માટે પ્રવેશ સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ૩૦ કરતાં વધુ દેશોમાંથી અંદાજે ૨૦૦ જેટલા વિદેશી બિઝનેસમેન અને બિઝનેસવુમન રાજકોટની મુલાકાતે આવશે. ખાસ કરીને યુગાન્ડાના કોમર્સ મિનિસ્ટર શ્રી સંજય તન્ના અને ઝિમ્બાબ્વેના કોમર્સ મિનિસ્ટર શ્રી આર. કે. મોદી (જેઓ મૂળ ગુજરાતી છે) પણ આ વેપાર મેળામાં ઉપસ્થિત રહેવાની પ્રબળ સંભાવના છે. મેળા બાદ આ વિદેશી ડેલિગેટ્સ તા. ૧૪, ૧૫ અને ૧૬ ફેબ્રુઆરી દરમિયાન સ્થાનિક ફેક્ટરીઓની પ્રત્યક્ષ મુલાકાત પણ લેશે.
આ એક્ઝિબિશનમાં ૧૦૦થી વધુ ઉત્પાદકો અને નિકાસકારો ભાગ લઈ રહ્યા છે, જેમાં સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યમીઓને પણ વિશેષ સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે. રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ અનુસાર, મેળામાં ભાગ લેનાર ઉત્પાદકોને MDA સ્કીમ હેઠળ રૂ. ૧ થી ૨ લાખ સુધીની સબસીડી મળવાપાત્ર છે, જેનાથી નાનામાં નાના ઉત્પાદકો ઓછા ખર્ચે દેશ-વિદેશમાં પોતાનો વેપાર વિસ્તારી શકશે.
આ ત્રિદિવસીય વેપાર મેળામાં વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનોનું પ્રદર્શન યોજાશે. જેમાં એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ્સ, ઇમ્પ્લિમેન્ટ્સ, સબમર્સિબલ પમ્પ્સ, ઇરિગેશન અને વોટર સિસ્ટમ, ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્જિન પાર્ટ્સ, એન્જિનિયરિંગ એસેસરીઝ, માઇનિંગ અને ડ્રિલિંગ. બિલ્ડિંગ મટિરિયલ અને મશીનરી, પેઇન્ટ્સ એન્ડ હાર્ડવેર, પ્લમ્બિંગ, સોલાર અને પાવર, રિન્યુએબલ એનર્જી. ફાર્મા અને હેલ્થકેર, હોસ્પિટલ અને સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ, મેડિકલ ટુરિઝમ, કેમિકલ, હર્બલ પ્રોડક્ટ્સ. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સ, જ્વેલરી અને લાઇફસ્ટાઇલ, ફેશન બુટીક્સ, હેન્ડિક્રાફ્ટ્સ, ફૂટવેર, ફર્નિચર, કોસ્મેટિક અને બ્યુટીકેર, પરફ્યુમ્સ., કન્ફેક્શનરી, સ્પાઈસીસ (મસાલા), કિચનવેર અને વાસણો, હાઉસહોલ્ડ આઇટમ્સ, પેકેજિંગ, સ્ટેશનરી અને ફિશિંગ પ્રોડક્ટ્સ સહિતના ઉદ્યોગો સામેલ છે.


