નવેમ્બરમાં નરમ રહેલી ઠંડી જાન્યુઆરીમાં ભૂક્કા કાઢશે
આવતીકાલથી ધીમે-ધીમે ઠંડીના પગરવની આગાહી : તા.૨૭મી સુધી વાદળછાયા વાતાવરણનું પણ અનુમાન, વાવાઝોડાની અસર થવાની શકયતા ઓછી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ, રાજ્યમાં આગામી 21 નવેમ્બરથી ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધવાની શરૂઆત થશે, જ્યારે જાન્યુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, દરિયાકાંઠે સર્જાઈ રહેલી હવામાનની સિસ્ટમ અને રવિ પાકની સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય ન હોવાથી ગુજરાત પર વાવાઝોડાની સીધી કે ગંભીર અસર થવાની શક્યતા ઘણી ઓછી છે. જોકે, આગામી 20 નવેમ્બરની આસપાસ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં એક મજબૂત વાવાઝોડું ટકરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ વાવાઝોડાની આડકતરી અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ રાજ્યમાં કોઈ મોટી અસર કે નુકસાન થવાની ભીતિ નથી. તદુપરાંત, 27 નવેમ્બરની આસપાસ મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા હોવાથી 27 નવેમ્બર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ત્યારબાદ, 4 થી 13 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક હવામાન સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે.
ખેડૂતો માટે રાહત અને સારા સમાચાર એ છે કે આગામી હવામાન ઘઉં અને જીરું સહિતના રવિ પાક માટે અત્યંત અનુકૂળ રહેવાની શક્યતા છે, જેના કારણે આ વર્ષે રવિ પાકની સિઝન સારી રહેવાની આશા બંધાઈ છે.
જોકે, હવામાન નિષ્ણાતે ખેડૂતોને સાવચેત કરતા જણાવ્યું છે કે વાદળછાયા અને બદલાતા હવામાનના કારણે ખાસ કરીને જીરાના પાકમાં રોગ આવવાની શક્યતા રહેલી છે. આથી, નુકસાનથી બચવા માટે ખેડૂતોએ સમયસર પાક સંરક્ષણના જરૂરી પગલાં લેવા અત્યંત આવશ્યક છે.
નલિયા ૧૭ ડિગ્રી સાથે સૌથી ઠુંડુ
રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ રાજ્યના કુલ 4 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. કચ્છનું નલિયા 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ શહેરમાં 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જોકે, આગામી 3 દિવસમાં અમદાવાદ શહેરના તાપમાનમાં ઘટાડો થશે અને પારો ગગડીને 17 થી 19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જેના કારણે અમદાવાદીઓને પણ હવે સવાર-સાંજ ઠંડીનો અનુભવ થશે.


