ફૂડ વિભાગની લાલ આંખ : ૬૨ પેઢીઓમાં તપાસ, ૩૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ
લાઇસન્સ, સ્ટોરેજ અને હાઈજેનિક કન્ડિશનના નિયમોના ભંગ બદલ ૨ પેઢીને નોટિસ; વહીવટી ચાર્જની વસૂલાત, ૫ ખાદ્ય નમૂના લેબોરેટરીમાં મોકલાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી પેઢીઓ પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી કરતાં ફૂડ વિભાગની ટીમોએ શહેરની કુલ ૬૨ ખાદ્ય પેઢીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભરીને ૩૮ કિલો અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્ટોલ, ફરસાણ-મીઠાઈની દુકાનો, ડેરી ફાર્મ તથા કરિયાણા અને ખાદ્યચીજોનું વેચાણ કરતી ૬૨ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ સંગ્રહ કરીને રાખવામાં આવેલો વાસી ખોરાક, લાંબા સમયથી પડતર રહેલી ખાદ્યસામગ્રી તેમજ એક્સપાયરી ડેટ વીતી ગયેલો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક એવા આ કુલ ૩૮ કિલો અખાદ્ય જથ્થાનો ફૂડ વિભાગની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જેથી આ જથ્થો ગ્રાહકો સુધી ન પહોંચે.
તપાસ કામગીરી દરમિયાન ખાદ્યપદાર્થોના યોગ્ય સંગ્રહ (સ્ટોરેજ), ફૂડ લાઇસન્સની સ્થિતિ અને રસોડા તથા દુકાનમાં સ્વચ્છતા એટલે કે હાઈજેનિક કન્ડિશનની ખાસ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સ્ટોરેજની અયોગ્ય વ્યવસ્થા, લાઇસન્સ સંબંધિત ક્ષતિઓ અને સ્વચ્છતાના માપદંડોના અભાવ બદલ ૨ પેઢીઓને કડક નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત પેઢી પાસેથી કુલ રૂ. ૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં સ્વચ્છતા તથા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.
ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ભેળસેળની આશંકાના આધારે ફૂડ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ આગળ ધપાવવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ શંકાસ્પદ જણાતા ખાદ્યપદાર્થોના કુલ ૦૫ નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને સીલ કરીને પૃથ્થકરણ (લેબોરેટરી ટેસ્ટિંગ) માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ નમૂનો અપ્રમાણિત કે ભેળસેળયુક્ત જણાશે, તો સંબંધિત પેઢીના સંચાલકો સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.


