રાજકોટમાં એક જ દિવસમાં ચાર આપઘાતથી ખળભળાટ
બહુમાળી ભવનમાં ભૂસ્તર વિભાગની ઓફિસમાં મહિલા પટ્ટાવાળાએ ગળાફાંસો ખાધો, એકવા બ્લુ એપાર્ટમેન્ટના નવમા માળેથી વૃદ્ધની છલાંગ,
જય એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી યુવકની મોતની છલાંગ અને કાલાવડ રોડ પર ઇવેન્ટ મેનેજમેન્ટના યુવાને જીવન ટૂંકાવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં એક જ દિવસમાં આપઘાતની ચાર ઘટનાઓ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓમાં મહિલા કર્મચારી, વૃદ્ધ અને બે યુવાનનાં મોત નીપજ્યાં છે. બહુમાળી ભવનમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની કચેરીમાં ફરજ બજાવતાં 60 વર્ષીય મહિલા પટ્ટાવાળાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે એકવા બ્લુ એપાર્ટમેન્ટના નવમા માળેથી 83 વર્ષીય વૃદ્ધે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. જંક્શન પ્લોટના જય એપાર્ટમેન્ટમાં યુવતીના ફ્લેટની બાલ્કનીમાંથી પટકાતાં યુવકનું મોત થયું હતું. આ ઉપરાંત કાલાવડ રોડ પર રહેતા મૂળ કોડીનારના 26 વર્ષીય ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બહુમાળી ભવનમાં બનેલી ઘટનામાં પ્રભાબેન સરવૈયા નામનાં 60 વર્ષીય મહિલા પટ્ટાવાળાએ ભૂસ્તરશાસ્ત્રીની ચેમ્બરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા કર્મચારીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ અકબંધ છે.
બીજી ઘટનામાં એકવા બ્લુ એપાર્ટમેન્ટના નવમા માળેથી 83 વર્ષીય કાંતિલાલ રામાણીએ પડતું મૂકી આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક આશંકા છે. તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજી ઘટનામાં જંક્શન પ્લોટ વિસ્તારમાં જંક્શન મેઈન રોડ પર આવેલા જય એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતાં દિલીપ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો દિલીપ એક યુવતીના ફ્લેટમાં હાજર હતો. પ્રાથમિક વિગતો મુજબ યુવતીની અન્યત્ર સગાઈ થવાની હોવાથી બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન યુવતીનાં માતા-પિતા ફ્લેટ પર આવી પહોંચ્યાં હતાં. બહારથી દરવાજો ખખડાવવા છતાં દરવાજો નહીં ખૂલતાં યુવકે ડરના કારણે બાલ્કનીમાંથી છલાંગ લગાવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ફ્લેટમાં યુવતીની એક અન્ય મિત્ર પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજા માળેથી યુવક નીચે પટકાતાં થયેલા અવાજને પગલે સફાઈ કામદારે સ્થાનિકો અને 108ને જાણ કરી હતી. 108ના ઇએમટીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. પ્રદ્યુમનનગર પોલીસે યુવતી અને તેના માતા-પિતાની પૂછપરછ શરૂ કરી આ બનાવ અકસ્માત, આપઘાત કે અન્ય કોઈ કારણસર બન્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત કાલાવડ રોડ પર સયાજી હોટેલ નજીક ગંગોત્રી પાર્ક પાસે આવેલી આવાસ યોજનામાં રહેતા મૂળ કોડીનારના 26 વર્ષીય રીયાઝ ઇસુભાઈ શેખે ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રીયાઝ રાજકોટમાં પત્ની સાથે રહી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો. પત્ની નોકરી પર હતી ત્યારે વારંવાર ફોન કરવા છતાં પતિ ફોન ઉપાડતો ન હોવાથી તેણે પરિચિતને ઘરે તપાસ કરવા મોકલ્યો હતો. દરવાજો અંદરથી બંધ હોવાથી પત્ની પણ ઘરે પહોંચી હતી. બાદમાં પોલીસને જાણ કરી દરવાજો ખોલાવતાં રીયાઝ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. 108ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રણ ભાઈ અને એક બહેનમાં વચેટ રીયાઝનાં બે વર્ષ પહેલાં મુંબઈની અલમાઝ સાથે લગ્ન થયાં હતાં અને દંપતીને સાત મહિનાની પુત્રી છે. રીયાઝના પિતા માછીમારીનો વ્યવસાય કરે છે. યુવાન પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પારિવારિક ક્લેશ કે અન્ય કોઈ કારણસર તેણે આ પગલું ભર્યું તે જાણવા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં એક જ દિવસમાં બનેલી આપઘાતની આ ચાર ઘટનાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે. ચારેય બનાવમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાત પાછળનાં ચોક્કસ કારણો જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


