- 173 કિલો ડ્રગ્સ સાથે 2 ભારતીય માછીમારોની ધરપકડ
- 2 ભારતીય માછીમાર પાક.થી લાવી રહ્યા હતા ડ્રગ્સ
- દ્વારકાથી સાઉથના ડ્રગ્સ માફિયાને પહોંચાડવાનો હતો પ્લાન
ભારતીય જળ સીમામાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નાર્કોટિકસનો વધુ એક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ભારતીય બોટમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ પકડાયેલ ડ્રગ્સની અંદાજિત કિંમત 60 કરોડ રૂપિયા થાય છે. તો સમગ્ર મામલે ગુજરાત DGP વિકાસ સહાય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપવામાં આવી છે.
ગુજરાત DGP વિકાસ સહાયે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા વધુ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને સતત બીજા દિવસે જળસીમા પરથી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે 173 કિલો ડ્રગ્સ સાથે 2 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. બંને ભારતીય માછીમારો પાકિસ્તાનથી ડ્રગ્સ લાવી રહ્યા હતા. જપ્ત કરવામાં આવેલ રૂ.60 કરોડનું ડ્રગ્સ હશીશ હોવાનો ખુલાસો પણ થયો છે.
વધુમાં ગુજરાત DGP એ જણાવ્યું કે ડ્રગ્સનો જથ્થો બોટ મારફતે દરિયાઈ માર્ગેથી દ્વારકામાં ઉતરવાનો હતો. દ્વારકાથી સાઉથના ડ્રગ્સ માફિયાને પહોંચાડવાનો પ્લાન હતો. મુંબઈ અને બીડના 3 શખ્સ ડગ્સ લાવવાના હતા. જેના માટે ભારતીય ફિશિંગ બોટ ભાડે કરવામાં આવી હતી. ડ્રગ્સ લેવા માટે કૈલાશ, મંગેશ, દત્તા સખારામ જવાના હતા. પાકિસ્તાનના પશની પાસેથી ડિલિવરી લેવાના હતા.
આરોપીઓ પાકિસ્તાનથી 22મી એપ્રિલના રોજ કન્સાઈનમેન્ટ લઈને નીકળ્યા હતા અને 27-28 એપ્રિલ આસપાસ પરત આવવાની માહિતી હતી. માહિતીના આધારે કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધર્યું અને ગુજરાતની સરહદથી 120 નોટિકલ માઈલ દૂર બોટને ઝડપી પાડી હતી. કોસ્ટગાર્ડના વેસલ ‘સજાગ’ જહાજમાં કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધર્યું હતું અને કોસ્ટગાર્ડના અધિકારીઓના 4 દિવસ દરિયામાં જ વિતાવ્યા હતા.


