- કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકાયો
- જિલ્લામાં પોલીસની ટીમો દ્વારા સતત કરાઇ રહ્યું છે ફ્લેગ માર્ચ
- ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ સર્વેલન્સ રખાશે
આવતી કાલે નર્મદા જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠક માટે મતદાન થવાના છે જેને લઇને પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી માટે મતદાન શાંતપૂર્ણ માહોલમાં યોજાય તે સંદર્ભે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમબેએ ચૂંટણી અંગેની કામગીરીને લઈને માહિતીની સાથે સાથે અન્ય આનુષંગિક બાબતોની માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણી ન્યાય પૂર્ણ રીતે યોજાય અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે મુજબ પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે.
ઇલેકશન કમિશનના માર્ગદર્શન મુજબ દરેક મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના દરેક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પાસામાં ગયેલા આરોપીઓને પૂરતી સૂચના આપી દેવામાં આવી છે. જિલ્લામાં ટીમો દ્વારા સતત ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. જેથી શાંતિથી મતદાન થઈ શકે અને મતદાનના દિવસે જિલ્લાના બધાજ ગામોમાં સુરક્ષા જળવાઈ રહે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને ભરૂચ લોકસભામાં આવતી ડેડીયાપાડા વિધાનસભામાં ખુબજ સારો બંદોબસ્ત ગોઠવીને વિસ્તારની તમામ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જયારે, જિલ્લાના 24 શેડો એરિયામાં પણ પોલીસ સ્ટાફ દવારા સતત મોનીટરીંગ કરાઈ રહ્યું છે. જિલ્લામાં 102થી વધુ શેડો એરિયા હતા જે હાલ ઘટીને 24 થઇ ગયા છે. ત્યાં પણ પોલીસ વોકીટોકી દ્વારા શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ખાસ કાળજી રાખશે. જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડર પર આવે;પ હોવાથી મહારાષ્ટ્ર પોલીસની પણ મદદ લેવામાં આવશે. આમ, નર્મદા જિલ્લા તંત્ર આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે.


