પંચનાથ હોસ્પિટલની ઐતિહાસિક સેવાકીય પહેલ: જરૂરિયાતમંદ દર્દીઓ માટે ICU સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક
જનરલ વોર્ડ બાદ હવે ગંભીર સારવારમાં પણ રાહત; રાજકોટ–સૌરાષ્ટ્રના દર્દીઓને મળશે આધુનિક સુવિધા સાથે નિઃશુલ્ક હોસ્પિટલાઇઝેશન
અગ્ર ગુજરાત, રાજકોટ
આર્થિક સંકડામણના કારણે કોઈ જરૂરિયાતમંદ દર્દી ગંભીર સારવારથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મંગળાબેન ડાયાભાઈ કોટેચા હોસ્પિટલ (પંચનાથ હોસ્પિટલ) દ્વારા વધુ એક અનોખી અને મહત્વપૂર્ણ સેવાકીય પહેલ કરવામાં આવી છે. પંચનાથ મહાદેવની કૃપાથી હવે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ICUમાં દાખલ થવાનો ખર્ચ સંપૂર્ણ નિઃશુલ્ક રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ નવી સેવા અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓ પાસેથી ICU બેડ ચાર્જ, હોસ્પિટલમાં રહેવાનો ચાર્જ, ઇન-હાઉસ ડોક્ટરોની સારવાર અને કન્સલ્ટેશન ફી, મેડિકલ ઓફિસરો તથા નર્સિંગ સ્ટાફની સેવાનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત એડમિશન ફી, સ્ટેશનરી ચાર્જ તેમજ દર્દીના કપડાં અને બેડશીટ સહિતના લિનન ચાર્જ પણ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. દર્દીઓએ માત્ર ડાયગ્નોસ્ટિક તપાસ, બહારથી આવતા વિઝિટિંગ ડોક્ટર્સની ફી, દવાઓ અને મેડિકલ પ્રોસીજરનો ખર્ચ જ ચૂકવવાનો રહેશે.
પંચનાથ હોસ્પિટલની શરૂઆતના પ્રથમ દિવસથી જ વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ, સિરીન્જ પંપ અને મેડિકલ મોનિટર જેવી મહત્વપૂર્ણ જીવનરક્ષક સુવિધાઓ દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે, જેથી ગંભીર સ્થિતિમાં પણ પરિવારો પર આર્થિક ભાર ન પડે.
આશરે 10 મહિના પહેલાં શરૂ કરાયેલી નિઃશુલ્ક જનરલ વોર્ડ હોસ્પિટલાઇઝેશન સેવાનો અત્યાર સુધીમાં લગભગ 1,350 દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે. આ સફળતા બાદ હવે ટ્રસ્ટ દ્વારા અત્યંત ખર્ચાળ ગણાતી ICU સેવા પણ જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હોસ્પિટલના ICUમાં સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ, HEPA ફિલ્ટર સાથેનું આધુનિક એર હેન્ડલિંગ યુનિટ (AHU) અને ક્રોસ ઇન્ફેક્શન ઘટાડવા માટે વધારાની એર ફિલ્ટરેશન વ્યવસ્થા ઉપલબ્ધ છે. સાથોસાથ વેન્ટિલેટર, મલ્ટીપેરામિટર મોનિટર, ઇન્ફ્યુઝન અને સિરીન્જ પંપ સહિતના આધુનિક સાધનો સજ્જ કરાયા છે. દરેક દર્દીને પૂરતું તબીબી ધ્યાન અને ગુણવત્તાયુક્ત નર્સિંગ કેર મળી રહે તે માટે ICUમાં એક સમયે મહત્તમ 10 દર્દીઓને દાખલ કરવાની ક્ષમતા રાખવામાં આવી છે. ફુલટાઇમ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, ઉપલબ્ધ સાધનો અને દર્દીની બીમારીની ગંભીરતાના મૂલ્યાંકન બાદ દાખલ કરવાનો નિર્ણય લેવાશે. વધુ વિશિષ્ટ સારવારની જરૂરિયાત જણાય તો દર્દીને યોગ્ય ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરાશે.
ધાર્મિક ટ્રસ્ટની પરંપરા મુજબ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને દરરોજ બપોરનું ભોજન નિઃશુલ્ક અપાય છે. ભોજન પીરસતા પહેલાં પંચનાથ મંદિરના મહાદેવ તથા દેવી-દેવતાઓને અર્પણ કર્યા બાદ પ્રસાદ સ્વરૂપે દર્દીઓને પીરસવામાં આવે છે.
સ્થાપનાથી લઈને આજ સુધીના આશરે છ વર્ષના ગાળામાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓના અથાગ પરિશ્રમ અને દૂરંદેશીથી આ સેવાયાત્રા વેગવાન બની છે. પ્રમુખ દેવાંગભાઈ માંકડ, મંત્રી મયુરભાઈ શાહ સહિત ટ્રસ્ટીઓ અનિલભાઈ દેસાઈ, ડી.વી. મહેતા, સંદીપભાઈ ડોડીયા, વસંતભાઈ જસાણી, નિખિલભાઈ મહેતા, નારણભાઈ લાલકિયા, નીતિનભાઈ મણિયાર, ડૉ. રવિરાજભાઈ ગુજરાતી, મહેન્દ્રસિંહ ગોહેલ અને નીરજભાઈ પાઠકના માર્ગદર્શન તથા રાજકોટના દાતાઓના ઉદાર સહયોગથી આ સમગ્ર સેવાકાર્ય આગળ વધી રહ્યું છે. આ પહેલથી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ પરિવારોને મોટી આર્થિક રાહત અને આધુનિક સારવારનો લાભ મળશે.


