ડિવાઈડર સાથે કારની જોરદાર ટક્કરથી મોરબીના 40 વર્ષીય યુવાનનું મોત
માળિયાથી મોરબી પરત ફરતી વેળાએ ટીંબડી પાટિયા પાસે નડ્યો અકસ્માત; રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
અગ્ર ગુજરાત, રાજકોટ
માળિયા-મોરબી હાઈવે પર ટીંબડી પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માતમાં મોરબીના 40 વર્ષીય કારચાલકનું મોત નીપજ્યું છે. પૂરપાટ દોડતી સ્વીફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાની બજાર વિસ્તારમાં લખધીરવાસ ચોક પાસે રહેતા યોગરાજસિંહ ખોડુભા વાઘેલા (ઉં.વ.40) ગઈકાલે સાંજે પોતાની સ્વીફ્ટ કાર લઈને માળિયાથી મોરબી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં ટીંબડી ગામના પાટિયા નજીક પહોંચતા કોઈ કારણોસર કાર પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતાને કારણે યોગરાજસિંહને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા યોગરાજસિંહે ટૂંકી સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ હોસ્પિટલમાં પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગેની તપાસ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ યોગરાજસિંહ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા અને ડ્રાઇવિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. પિતાનું અચાનક મોત થતાં બંને સંતાનોએ પિતાની હૂંફ ગુમાવી છે. માળિયાથી ઘરે પરત ફરતી વેળાએ બનેલી આ દુર્ઘટનાએ વાઘેલા પરિવારને ઘેરા શોકમાં ગરકાવ કરી દીધો છે.


