પોલીસના દરોડા છતાં નશાના કારોબારને બ્રેક કેમ નહીં.?
જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!
દેવપરા મેઈન રોડ પર નદીમ લિંગડિયાના ઘરેથી માત્ર 50 ગ્રામ ગાંજો મળ્યો, પણ સ્થાનિકોના દાવા મુજબ સવારથી સાંજ સુધી કિલો ગાંજાનું વેચાણ
જ્ઞાનોદય સ્કૂલ નજીક નશાના કારોબારની ચર્ચા, સરકારી CCTV કેમેરાની નજર સામે જ ગોરખધંધો ચાલતો હોવાના સ્થાનિક આક્ષેપો વચ્ચે પોલીસની કામગીરી સામે સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો અંત લાવવો પોલીસ માટે હજુ પણ પડકારરૂપ બની રહ્યો છે. એક તરફ પોલીસ દ્વારા ડ્રગ્સ અને ગાંજાના કારોબાર સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. સવાલ એ છે કે જંગલેશ્વરમાં નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વો પોલીસની નજરથી બચી જાય છે કે પછી પોલીસની કામગીરીમાં ક્યાંક કચાશ રહી જાય છે? નિર્દોષ પરિવારો અને શાળાએ જતાં બાળકોની સુરક્ષાને લઈને હવે આ વિસ્તારના લોકોમાં ચિંતા વધી રહી છે.
અગાઉ અગ્ર ગુજરાત દ્વારા જંગલેશ્વરમાં સક્રિય વિવિધ ગેંગ અને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. સંજય ઉર્ફે સુલતાન ગેંગની ગુનાહિત કુંડળી ઉજાગર થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરી ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેટલાક તત્વો જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી જૂના રસ્તે વળી જાય છે.
તાજેતરમાં સુલતાનનો બનેવી અબ્દુલ ઉર્ફે દુલિયો ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો. આ ઘટનાએ ફરી એક વખત જંગલેશ્વરમાં ચાલતી નશાની પ્રવૃત્તિઓ તરફ ધ્યાન દોર્યું હતું. હવે ભક્તિનગર પોલીસ દ્વારા દેવપરા મેઈન રોડ પર નદીમ હનીફ લિંગડિયાના ઘરે પાડવામાં આવેલા દરોડામાં 50 ગ્રામ ગાંજો મળી આવતાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ નદીમ લિંગડિયા સહિતના કેટલાક શખ્સોનું એક જૂથ આ વિસ્તારમાં દોસ્તી ગેંગ તરીકે ઓળખાય છે. આ તત્વો સવારથી મોડી રાત સુધી અલગ-અલગ સ્થળોએ અડીંગો જમાવી નશાકારક પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા હોવાની ચર્ચા છે. ખાસ કરીને જ્ઞાનોદય સ્કૂલ નજીક આવા પદાર્થોની લે-વેચ થતી હોવાના આક્ષેપો ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોની આસપાસ જ આવી પ્રવૃત્તિઓ થતી હોય તો તેમની સુરક્ષા અને ભવિષ્ય સામે પણ સવાલ ઊભા થાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે પોલીસને દરોડામાં માત્ર 50 ગ્રામ ગાંજો મળ્યો, જ્યારે તેમના દાવા મુજબ આ ટોળકી દ્વારા દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચર્ચા છે. આ ઉપરાંત દરોડા દરમિયાન માહિર નામનો અન્ય એક શખ્સ પણ પોલીસ સાથે ગયો હોવાની ચર્ચા છે, પરંતુ તેની સામે આગળ શું કાર્યવાહી થઈ તે અંગે સ્થાનિકોમાં અનેક સવાલો છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે જે સ્થળોએ આવી પ્રવૃત્તિઓ થતી હોવાની ચર્ચા છે ત્યાં સરકારી CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જો આ કેમેરાના ફૂટેજની ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો નશાના કારોબાર સાથે સંકળાયેલા શખ્સોની અવરજવર અને શંકાસ્પદ ગતિવિધિઓ અંગે મહત્વની કડીઓ મળી શકે તેમ છે.
હવે સવાલ માત્ર 50 ગ્રામ ગાંજાની રિકવરીનો નથી, પરંતુ જંગલેશ્વરમાં નશાના નેટવર્કની ઊંડાઈ સુધી પહોંચવાનો છે. શું પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી આખી સાંકળ સુધી પહોંચશે? શું દોસ્તી ગેંગ તરીકે ઓળખાતા જૂથની પ્રવૃત્તિઓની તપાસ થશે? અને સૌથી મોટો સવાલ એ છે કે જંગલેશ્વરના નિર્દોષ નાગરિકોને ગુનાખોરીના આ વાતાવરણમાંથી મુક્તિ ક્યારે મળશે? ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને IPS સ્તરે આ મામલે તટસ્થ તપાસ થાય તેવી સ્થાનિકોની માગ ઊઠી રહી છે.
50 ગ્રામ ગાંજાની રિકવરી, મોટા કારોબારની ચર્ચા
ભક્તિનગર પોલીસના દરોડામાં નદીમ લિંગડિયાના ઘરેથી 50 ગ્રામ ગાંજો મળ્યો હતો. જોકે, સ્થાનિકોના દાવા મુજબ આટલી ઓછી માત્રામાં નશાનો કારોબાર સીમિત નથી. દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચર્ચા છે. આ દાવાઓની તપાસ થાય તો વાસ્તવિક ચિત્ર સામે આવી શકે છે.
જ્ઞાનોદય સ્કૂલ નજીક નશાનો કારોબાર?
જંગલેશ્વરની જ્ઞાનોદય સ્કૂલ આસપાસ નશાકારક પદાર્થોની લે-વેચ થતી હોવાના સ્થાનિકોના આક્ષેપો ગંભીર છે. જો શૈક્ષણિક સંસ્થાની નજીક આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો શાળાએ આવતાં બાળકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થાય છે. પોલીસ દ્વારા આ વિસ્તારને વિશેષ સર્વેલન્સ હેઠળ લેવાની જરૂર છે.
દોસ્તી ગેંગની ચર્ચા, કોણ છે આ તત્વો?
સ્થાનિકોમાં નદીમ લિંગડિયા સહિતના કેટલાક શખ્સોનું જૂથ ‘દોસ્તી ગેંગ’ તરીકે ઓળખાતું હોવાની ચર્ચા છે. આ જૂથના સભ્યો અલગ-અલગ સમયે જુદાં જુદાં સ્થળોએ એકત્ર થતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ જૂથની વાસ્તવિક ભૂમિકા અને પ્રવૃત્તિઓની પોલીસ તપાસ જરૂરી બની છે.
CCTV કેમેરા શોભાના ગાંઠિયા?
ગુનાખોરી અટકાવવા માટે સરકારી ખર્ચે લગાવવામાં આવેલા CCTV કેમેરા જો નશાના કારોબારની ચર્ચા વચ્ચે પણ અસરકારક સાબિત ન થતા હોય તો તેનો હેતુ શું? સ્થાનિકોના જણાવ્યા મુજબ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કેમેરાની નજર સામે જ થતી હોવાની ચર્ચા છે. ફૂટેજની તપાસથી અનેક વિગતો બહાર આવી શકે છે.
સુલતાન ગેંગ બાદ પણ ગુનાખોરીનો સિલસિલો
અગાઉ સંજય ઉર્ફે સુલતાન ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ હતી. પોલીસની આ કાર્યવાહી બાદ પણ જંગલેશ્વરમાં અન્ય ગુનાહિત તત્વો સક્રિય હોવાની ચર્ચાઓ અટકી નથી. એક ગેંગ સામે કાર્યવાહી કરવાથી સમગ્ર નેટવર્કનો અંત આવે છે કે નહીં તે તપાસવાનો સમય આવી ગયો છે.
માહિર નામના શખ્સનું શું થયું?
નદીમ લિંગડિયાના ઘર પર દરોડા દરમિયાન માહિર નામનો અન્ય એક શખ્સ પણ પોલીસ સાથે ગયો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. પરંતુ તેની સામે શું કાર્યવાહી થઈ, તેની ધરપકડ થઈ કે પૂછપરછ બાદ છોડી દેવાયો તે અંગે સ્પષ્ટતા નથી. પોલીસ તંત્ર આ બાબતે સત્તાવાર વિગતો જાહેર કરે તેવી માગ ઊઠી રહી છે.


