TAT-HS ઉમેદવારોના ન્યાય માટે રાજકોટના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
પરીક્ષા રદ ન કરવા, ઉત્તરવહીની નકલ આપવા અને રી-એસેસમેન્ટની પરવાનગી સહિત પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરતું હ્યુમન રાઈટ્સ ફેડરેશન
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં લેવાયેલી TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા તેમજ ઉમેદવારોના હિતોનું રક્ષણ કરવા માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા રાજકોટ જિલ્લાના નાયબ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે ઉમેદવારોમાં ઉઠેલા પ્રશ્નો અને અસંતોષને વાચા આપતા ફેડરેશન દ્વારા ઉમેદવારોના હિતમાં પાંચ મહત્ત્વની માંગણીઓ કરવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ રવાના કરવામાં આવી છે.
ઉમેદવારોને યોગ્ય ન્યાય અને મૂલ્યાંકનમાં સંપૂર્ણ પારદર્શિતા મળી રહે તે માટે ફેડરેશન દ્વારા પેપર-૧ અને પેપર-૨ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે તથા બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવામાં આવે., પારદર્શિતા જાળવવા માટે ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે., ગુણની ગણતરીમાં સંપૂર્ણ ચોકસાઈ રાખવામાં આવે અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે ઉમેદવારોને યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે., કોઈપણ સંજોગોમાં TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે. જો કોઈ ભૂલ કે અનિયમિતતા જણાય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય સુધારા સાથે કાર્યવાહી કરવામાં આવે., ઉમેદવારોના હિતમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની પરવાનગી આપવામાં આવે, જેથી સંભવિત ભૂલો સુધારી ઉમેદવારોને યોગ્ય ગુણ મળી શકે તે માટે રજૂઆત કરવામાં આવી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, “TAT-HS ઉમેદવારોના ન્યાય અને અધિકારો માટે ફેડરેશન દ્વારા ગુજરાતભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. જ્યાં સુધી ઉમેદવારોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત લોકશાહી અને બંધારણીય માર્ગે સતત ચાલુ રહેશે.”


