ઉત્તરાયણ પહેલાં જ પતંગના દોરાએ 20 વર્ષના યુવાનનો ભોગ લીધો
ઘરેથી બાઈક લઈને નીકળેલા યુવકને ગળામાં કુંભારવાડા પાસે દોરો ભરાતાં ગંભીર ઈજા થઈ હતી : સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉત્તરાયણના પર્વને હજુ વાર છે ત્યાં જ પતંગના દોરાએ જીવ લેવાનું શરૂ કરી દીધું છે. રાજકોટમાં પતંગના દોરાથી ગળામાં ગંભીર ઈજા થવાના કારણે 20 વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. કુંભારવાડામાં પોતાના ઘર નજીક જ બાઈક લઈને પસાર થઈ રહેલા અતિક ચૌહાણના ગળામાં પતંગનો દોરો ફસાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. છેલ્લા કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા યુવાને અંતે દમ તોડી દીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના કુંભારવાડા વિસ્તારમાં રહેતો અતિક રિયાઝભાઈ ચૌહાણ (ઉં.વ.20) ગત તા. 21 નવેમ્બરના રોજ સાંજે આશરે છ વાગ્યાના અરસામાં બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. આ સમયે ઘર નજીકની શેરીમાંથી પસાર થતી વખતે અચાનક પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. દોરાના કારણે ગળામાં ગંભીર ઈજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, બનાવના દિવસે અતિક ઘરે હતો ત્યારે તેના મિત્ર રહીશનો ફોન આવ્યો હતો. મિત્રના પિતાની તબિયત સારી ન હોવાથી દવા લેવા જવાનું હતું અને તેણે અતિકને સાથે આવવા જણાવ્યું હતું. મિત્રનો ફોન આવતાં જ અતિક બાઈક લઈને તેના ઘરે જવા નીકળ્યો હતો. જોકે, ઘરથી થોડે જ દૂર શેરીમાં પતંગનો દોરો તેના માટે કાળ બનીને ત્રાટક્યો હતો. અતિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો. પરિવારમાં આશાસ્પદ યુવાન પુત્રનું મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું છે. બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે, જ્યારે માતા-પિતાએ જુવાનીની ઉંમરે દીકરો ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ બનાવ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના તબીબો દ્વારા તેમને મરણનો દાખલો આપવામાં આવ્યો છે. અગાઉ પોલીસ દ્વારા એમએલસી પણ નોંધવામાં આવી હતી. આ કિસ્સામાં પીએમ કરવામાં આવ્યું ન હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું.


