ભાડલા નજીક આઈસરે બાઈકને અડફેટે લેતાં 20 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત
ધ્રોલમાં ધો.12ની પરીક્ષા આપી બે મિત્રો સાથે પરત ફરતી વખતે આઇસર કાળ બનીને ત્રાટક્યું ; બંને મિત્રો પણ ઘાયલ
અગ્ર ગુજરાત, રાજકોટ
પરીક્ષા આપીને ખુશીથી ઘરે પરત ફરી રહેલા ત્રણ મિત્રોની સફર ભાડલા નજીક ગમખ્વાર અકસ્માત સાથે કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ હતી. ધ્રોલ ખાતે ધોરણ-12ની પરીક્ષા આપીને બાઈક પર વિંછીયા પરત ફરી રહેલા 20 વર્ષીય જેનિલ મકવાણાની બાઈકને આઈસર ટ્રકે જોરદાર ટક્કર મારતાં તેનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર તેના અન્ય બે મિત્રો પણ અકસ્માતમાં ઘાયલ થયા હતા. એકના એક પુત્રને ગુમાવતાં માતાના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને રબારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિંછીયામાં રહેતો 20 વર્ષીય જેનિલ મકવાણા ગત તા.21ના રોજ સવારે ધોરણ-12ની પરીક્ષા આપવા માટે પોતાના બે મિત્રો રવી અને નિસાર્થ સાથે બાઈક લઈને ધ્રોલ ગયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ ત્રણેય મિત્રો બાઈક નં. જીજે-03-એમએસ-6876 પર વિંછીયા પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભાડલા-દહીસરા રોડ વચ્ચે પહોંચતાં આઈસર ટ્રક સાથે બાઈકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક ચલાવી રહેલા જેનિલને માથા તથા હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તેને તાત્કાલિક 108 મારફતે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ અકસ્માતમાં ઘાયલ થયેલા નિસાર્થ અને રવીને પણ ઈજાઓ પહોંચતાં આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આઈસર ચાલક વાહનમાંથી નીચે ઉતર્યો હતો અને પોતાનું નામ સાદુળ રૂપા સાંબડ હોવાનું જણાવ્યું હતું. અકસ્મતની જાણ થતાં સાંજે સાત વાગ્યાના અરસામાં જેનિલના મામા અમરાભાઈએ ઘરે આવી તેની માતા રાણીબેનને જાણ કરી હતી. મિત્ર નિસાર્થના ફોન મારફતે અકસ્માતની જાણ થતાં જ માતા અને મામા તાત્કાલિક જસદણ સરકારી હોસ્પિટલ દોડી ગયાં હતાં. જોકે, ત્યાં પહોંચતાં જ તબીબોએ ગંભીર ઈજાઓના કારણે જેનિલને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
જેનિલ તેની માતાનો એકનો એક પુત્ર હતો અને માતા સાથે માવતરે રહેતો હતો. યુવાન વયે પુત્રના અચાનક મોતથી માતા નોંધારી બની ગઈ હતી. જેનિલના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે ભાડલા પોલીસે આઈસર ટ્રક નં. જીજે-02-ઝેડ-5805ના ચાલક સાદુળ રૂપા સાંબડ વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


