તુલસી વિવાહ નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વેગ આપવા સતત ચોથા વર્ષે ભગીરથ આયોજન
વિધાનસભા-૬૮ અંતર્ગત વિવિધ ૬ વોર્ડના ૧૫ સ્થળોએ કુંડા સાથે તુલસીના રોપા અપાશે; આગામી ૨૦ નવેમ્બરે સવારે ૯:૩૦ વાગ્યાથી પ્રારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
હિન્દુ ધર્મની પૌરાણિક પરંપરા અને દેવઉઠી એકાદશીથી કારતક પૂર્ણિમા સુધીના પાવન પર્વને અનુલક્ષીને રાજકોટ વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પ્રકૃતિ પ્રેમ, ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અને પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુસર આગામી તા. ૨૦ નવેમ્બર, શુક્રવારના રોજ સતત ચોથા વર્ષે ૧૦,૦૦૦ તુલસીના રોપા (કુંડા સાથે) વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સ્થાનિક સ્તરે જનભાગીદારીથી સાકાર કરવાના આશયથી આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે. વિધાનસભા-૬૮ અંતર્ગત આવતા વોર્ડ નં. ૩, ૪, ૫, ૬, ૧૫ અને ૧૬ માં કુલ ૧૫ જેટલા સ્થળોએ આ વિતરણ થશે.
અનાદિ કાળથી ભારતીય સંસ્કૃતિમાં કારતક માસનું અને તુલસી વિવાહનું અનોખું મહત્ત્વ રહ્યું છે. ચાતુર્માસની યોગનિંદ્રા બાદ દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગૃત થાય છે અને શાલિગ્રામ સ્વરૂપ સાથે માતા તુલસીના વિવાહ સંપન્ન થાય છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે ત્યાં ક્યારેય ધન-ધાન્યની ઉણપ સર્જાતી નથી. તુલસી માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આયુર્વેદમાં તેને ઉત્તમ ઔષધીય વનસ્પતિ માનવામાં આવી છે. શરદી, ઉધરસ અને પાચન સંબંધી તકલીફોમાં તુલસીના પાન અત્યંત ગુણકારી છે. તુલસીના છોડની માવજતથી શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણનું સંવર્ધન થાય છે. પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેના સંબંધને જોડતી આ સનાતન પરંપરાને જીવંત રાખવાનો આ એક સુંદર પ્રયાસ છે.
આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રાની રાહબરી હેઠળ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અશ્વિન મોલિયા, કિશોરભાઈ રાઠોડ તથા સંબંધિત વોર્ડના પ્રભારીઓ, પ્રમુખો, મહામંત્રીઓ અને સંગઠનના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રાએ રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરે વિનામૂલ્યે કુંડા સાથે તુલસીના રોપા મેળવી પોતાના આંગણે સ્થાપિત કરવા અને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.


