સામુહિક દરોડાથી વેપારીઓમાં દોડધામ મચી : ૧ કિલો સોનું અને મોટી રકમ મળતાં આઇટીએ પણ ઝંપલાવ્યું : લોકસભા ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ એજન્સીઓ સક્રિય થઇ
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ વિવિધ એજન્સીઓ સક્રિય થઇ છે. અમદાવાદ અને સુરતની ૨૪ જેટલી આંગડીયા પેઢી ઉપર સીઆઇડીએ સામુહિક દરોડા પાડયા હતાં. અમદાવાદના ત્રણ વિસ્તારમાં બે દિવસથી ચાલતા સર્ચ ઓપરેશનમાં એક કિલો સોનું અને ૧૨ કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. રોકડ અને સોનું ઝડપાતા ઇન્કમટેકસ વિભાગે પણ આ દરોડામાં ઝંપલાવ્યું છે અને રોકડ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં ઇસ્કોન આર્કેડ ઉપરાંત ગોલ્ડસુખ કોમ્પ્લેકસ અને સુપર મોલમાં આવેલી આંગડીયા પેઢીઓ ઉપર ગુરૂવારે બપોરથી સીઆઇડી ક્રાઇમની ટીમોએ અચાનક જ દરોડા પાડીને તપાસ ચાલુ કરી હતી. મળતી માહિતી મુજબ બપોરે ૧૧ વાગ્યા પછી આ દરોડાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. પોલીસ સાદા વેશમાં જ તપાસ કરવામાં આવી હતી. પોલીસ સાથે મહિલા પોલીસને પણ રાખવામાં આવ્યા છે. આંગડીયાની જે પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા તેમના અને તેમના સ્ટાફના સભ્યોનો મોબાઇલ પણ લઇ લેવામાં આવ્યા હતા. આવકવેરા ખાતાના સુત્રોનું કહેવું છે કે પોલીસે દરોડો પાડીને પછી અમને તેમની મદદ માટે બોલાવ્યા છે. તેમણે માગ્યા તેમ તેમ અમે અમારા અધિકારીઓને તમની મદદે મોકલતા ગયા છીએ. આ તપાસનો આરંભ અમે કર્યો નથી.
અમદાવાદ અને સુરતમાં કુલ બે ડઝન જેટલી આંગડીયા પેઢીઓમાં તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત સીઆઇડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડીયને જણાવ્યું કે ૧૨.૫૦ કરોડ રૂપિયા રોકડ, એક કિલો સોનુ ઉપરાંત કોમ્પ્યુટર, લેપટોપ સહિતનો મુદામાલ સ્થગિત કે જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ઇનકમટેકસ વિભાગને જાણ કરવામાં આવી છે. જયાં સુધી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યસાયિક કાર્યવાહી નહી કરવાની સૂચના પણ આંગડીયા પેઢીઓને આપવામાં આવી છે.
તાજેતરમાં ચૂંટણી પૂર્ણ થઇ છે અને આઇપીએલ ચાલી રહી છે. આવા તબક્કે મેચ અથવા ચૂંટણીના નાણાની હેરફેરમાં કાર્યવાહી કરાયાની ચર્ચા બજારમાં જાગી હતી. જો કે સીઆઇડીએ સ્પષ્ટ કર્યુ છે કે દોઢ મહિના પહેલા બોગસ બેન્ક એકાઉન્ટ ખોલીને પૈસાની હેરાફેરીનું કારસ્તાન પકડાયું હતું.
આ તપાસમાં દુબઇમાં મની લોન્ડરીંગની વિગતો ખુલતાં સામુહિક દરોડા પાડીને તપાસ કરાઇ રહી છે. બે નંબરી વ્યવહારો હોવાનું પ્રાથમિક રીતે જણાતા અને મોટી રકમ મળતા ઇનકમટેકસને રિપોર્ટ કરાયા છે. બીજી તરફ અમદાવાદ અને સુરતમાં બે ડઝન આંગડીયા પેઢીના કર્મચારીઓ ઉપરાંત પૈસા આવેલા લોકો મળી અંદાજે ૧૦૦ લોકોની પુછપરછ પોલીસ દ્વારા ચાલી રહી છે.


