રોષે ભરાયેલા લોકોએ વીજ વાયરો સળગાવ્યા
રાજ્યની તમામ વીજ કંપનીમાં હાલ વીજ ગ્રાહકોને ત્યાં ડીઝીટલ મીટર લગાવવામાં આવ્યા છે તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે જેમાં વીજળી ગુલ થઇ જતા લોકો રોષે ભરાયા હતા અને સ્થાનિક સબ ડિવિઝનમા લોકોએ તોડફોડ કરતા સ્થાનિક પોલીસને બોલાવાની ફરજ પડી હતી.
વડોદરા શહેરના અકોટા એમજીવીસીએલ ઓફિસ ખાતે સ્માર્ટ મીટરોને લઈને ઘરોમાં વીજળી ગુલ થઈ જતાં સ્થાનિક લોકોએ તોડફોડ કરી હતી. તેમજ વીજ વાયરો સળગાવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
શહેરના જૂના પાદરા રોડ, દિવાળીપુરા, તાંદળજા, સન ફાર્મા રોડ વિસ્તારમાં ગઈકાલે ફરી એકવાર રાત્રે ૧૦ વાગ્યાથી લઈને મોડી રાત સુધી લાઇટો અવારનવાર ગુલ થતા સ્થાનિક રહીશોના ટોળાએ અકોટા વીજ સબ સ્ટેશન ખાતે હલ્લાબોલ કરી બારીના કાચ તોડી નાખી પડેલા કેટલાક વાયરોનો જથ્થો સળગાવી દેવામાં આવતા પોલીસ બોલાવાઈ હતી તેમ છતાં રહીશોએ અધિકારીઓને સ્થળ પર બોલાવવા સતત માગણી ચાલુ રાખી હતી.
વડોદરા શહેરના જુના પાદરા રોડ, દિવાળીપુરા, સન ફાર્મા રોડ, તાંદળજા વિસ્તારની ૫૦થી વધુ સોસાયટીઓમાં ફરી એકવાર કલાકો સુધી લાઈટો ગુલ થતાં સ્થાનિક રહીશોના ટોળા બહાર આવી ગયા હતા. સ્થાનિક રહીશો એ પહેલા તો અકોટા સબ સ્ટેશન પર ફોન કરીને ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈએ પણ ફોન નહીં ઉપાડતા આખરે વિવિધ સોસાયટીના રહીશોના ટોળા અકોટા સબ સ્ટેશન ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો.
આ દરમિયાનમાં કેટલાક લોકોએ નજીકમાં પડેલા વાયરોનો જથ્થો સળગાવ્યો હતો અને કેબિનના કાચ પણ તોડી નાખ્યા હતા જેથી મામલો વધુ વણસે તે પહેલા જ પોલીસને બોલાવી લેવામાં આવી હતી.


