ઉનાના ભાચા નજીક ટ્રિપલ બાઈક અકસ્માતમાં વધુ એક યુવાનનું મોત
મૃત્યુઆંક વધીને બે થયો, એક જ પરિવારના ત્રણ સભ્યો હજુ પણ સારવાર હેઠળ
ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગારિયાધારના જમાલભાઈ ઉઢેજાએ દમ તોડ્યો; તેમના પત્ની અને બે પુત્રો ઈજાગ્રસ્ત
લગ્નપ્રસંગમાં જઈ રહેલા આથમણાપડા ગામના અજીતસિંહ ગોહિલનું ગઈકાલે ઘટનાસ્થળે જ નીપજ્યું હતું કરુણ મોત
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકાના કંસારી-ભાચા નજીક ખોડિયારની ધાર પાસે ગઈકાલે સર્જાયેલા ગમખ્વાર ટ્રિપલ બાઈક અકસ્માતમાં સારવાર દરમિયાન વધુ એક યુવાનનું મોત નીપજતાં મૃત્યુઆંક વધીને બે પર પહોંચ્યો છે. ગારિયાધારના યુવાન જમાલભાઈ ઉસ્માનભાઈ ઉઢેજાએ ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે તેમના પત્ની અને બે પુત્રો સહિત ત્રણ ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.
ગઈકાલે કંસારી અને ભાચા વચ્ચે ખોડિયારની ધાર નજીક ત્રણ બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ગારિયાધારના રહેવાસી જમાલભાઈ ઉસ્માનભાઈ ઉઢેજાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં મૃતક જમાલભાઈના પત્ની અને તેમના બે પુત્રોને પણ ઈજાઓ પહોંચી હોવાથી તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અગાઉ ગઈકાલે અકસ્માત સર્જાતા જ મૂળ ઉના તાલુકાના આથમણાપડા ગામના અને હાલ સુરત સ્થાયી થયેલા અજીતસિંહ જીલુભાઈ (જીલુભા) ગોહિલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી વિગતો અનુસાર, અજીતસિંહ પોતાના કૌટુંબિક સાળાના લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે તાલાલા તાલુકાના મોરુકા ગામે જઈ રહ્યા હતા. ગતરોજ સવારે આથમણાપડાથી લગ્નની જાન મોરુકા જવા રવાના થઈ હતી, તે દરમિયાન બાઈક પર જઈ રહેલા અજીતસિંહને રસ્તામાં આ જીવલેણ અકસ્માત નડ્યો હતો. આ બનાવને પગલે બંને મૃતકોના પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


