નવ ગોળના ભેદ ભૂલી એક બનશે પ્રજાપતિ સમાજ, 51 વડીલોનું થશે સન્માન
સમસ્ત પ્રજાપતિ સમાજની નવી કમિટીનો પ્રથમ સમાજલક્ષી સંકલ્પ: રવિવારે હેમુ ગઢવી હોલમાં વડીલ વંદના અને ભવ્ય સ્નેહમિલનનું આયોજન, અધ્યક્ષ મનસુખભાઈ તલસાણીયાની આગેવાનીમાં યુવા ટીમે સંભાળી સમાજની નવી દિશા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં પ્રજાપતિ સમાજની વધતી જતી સામાજિક અને રાજકીય તાકાત હવે સંગઠિત સ્વરૂપે આગળ વધવા જઈ રહી છે. ગુર્જર, સોરઠીયા, વાટલીયા, વરિયા, વરિયાવંશ, પરજીયા સહિતના નવ ગોળના ભેદ ભૂલીને ‘અમે અલગ ગોળના નહીં, પરંતુ સમસ્ત પ્રજાપતિ સમાજના છીએ’ તેવા એકતાના મંત્ર સાથે રાજકોટમાં સમસ્ત પ્રજાપતિ સમાજની સ્થાપના કરવામાં આવી હતી. સમાજને એક મંચ પર લાવવાની આ પહેલમાં પીઢ આગેવાન મોહનભાઈ વાડોલીયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મોહનભાઈ વાડોલીયા સહિતના પીઢ આગેવાનોએ વર્ષો સુધી અથાગ મહેનત કરીને નવેય ગોળને એક તાંતણે બાંધ્યા હતા. સમાજની એકતા માત્ર સામાજિક કાર્યક્રમો પૂરતી સીમિત ન રહે, પરંતુ રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ પ્રજાપતિ સમાજની પ્રતિભાઓ આગળ આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજે રાજકોટ મહાનગરપાલિકામાં પણ પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે.
સમયની સાથે સમાજને નવી દિશા મળે, યુવા પેઢીને જવાબદારી સોંપાય અને સંગઠન વધુ મજબૂત બને તે હેતુથી તાજેતરમાં નવી કમિટીની રચના કરવામાં આવી છે. સમસ્ત પ્રજાપતિ સમાજના અધ્યક્ષ તરીકે મનસુખભાઈ તલસાણીયાને જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આગેવાનીમાં મહામંત્રી વિનોદભાઈ લાઠિયા સહિત ઉપાધ્યક્ષો, ખજાનચી, સંગઠન મંત્રીઓ અને સહમંત્રીઓની વિશાળ યુવા ટીમની રચના કરવામાં આવી છે.
નવી કમિટીએ જવાબદારી સંભાળતાની સાથે જ સમાજના ભવિષ્ય માટે આયોજન શરૂ કર્યું છે. યુવાનોને શિક્ષણ તરફ પ્રેરિત કરવા, સમાજની નવી પેઢીને સંગઠિત કરવા અને સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. જોકે, આ તમામ આયોજન વચ્ચે નવી કમિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે, જે વડીલોએ પોતાની જિંદગીના સુવર્ણ વર્ષો સમાજના ઉત્થાન માટે સમર્પિત કર્યા છે, તેમને ભૂલવાના નહીં, પરંતુ તેમનું જાહેરમાં સન્માન કરીને નવી પેઢીને તેમના સંઘર્ષ અને સમર્પણનો પરિચય કરાવવાનો.
આ વિચાર સાથે નવી કમિટીએ પોતાના પ્રથમ કાર્યક્રમ તરીકે ‘વડીલ વંદના અને સમસ્ત પ્રજાપતિ સમાજ સ્નેહમિલન’નું આયોજન કર્યું છે. આગામી રવિવાર, તા. 29 નવેમ્બરના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે નવેય ગોળના કુલ 51 વડીલોનું સન્માન કરવામાં આવશે. આ સાથે સમગ્ર પ્રજાપતિ સમાજના પરિવારો એકત્ર થાય અને પરસ્પર સ્નેહ, એકતા તથા ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તે માટે ભવ્ય સ્નેહમિલન પણ યોજાશે.
આ પ્રસંગે સતાધારના મહંત શ્રી વિજયબાપુ, પીપળીધામના મહંત વાસુદેવ મહારાજ અને હળવદ નકલંકધામના મહંત દલસુખ મહારાજ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.
સમાજને એક મંચ પર લાવવા માટે વર્ષો સુધી પરસેવો પાડનાર વડીલોનું સન્માન કરીને નવી કમિટી જાણે એક સંદેશ આપવા જઈ રહી છે કે, સમાજનું ભવિષ્ય ઘડવા માટે વડીલોના આશીર્વાદ અને યુવાનોની શક્તિ બંને જરૂરી છે. નવ ગોળની ઓળખથી આગળ વધી સમસ્ત પ્રજાપતિ સમાજની એક ઓળખ ઊભી કરવાનો આ પ્રયાસ રાજકોટના સામાજિક સંગઠન ક્ષેત્રે મહત્વપૂર્ણ બની રહેશે.
આ નવનિયુક્ત લાઇટમાં સમસ્ત પ્રજાપતિ સમાજના અધ્યક્ષ તરીકે મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મહામંત્રી તરીકે વિનોદભાઈ હરિલાલ લાઠિયા અને ખજાનચી તરીકે વિમલભાઈ ધીરુભાઈ સચાણીયાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપાધ્યક્ષ તરીકે પ્રફુલભાઈ હીરાભાઈ નળીયાપરા, શૈલેષભાઈ ચંદુભાઈ મોરાણીયા, મનસુખભાઈ ઠાકરશીભાઈ મૌજીદ્રા, યોગેશભાઈ નાથાભાઈ ઉનાગર, હરેશભાઈ વાલજીભાઈ મોરીધરા, દીપકભાઈ રામજીભાઈ ચાવડા, લલિતભાઈ જેરામભાઈ વાડોલીયા અને ગિરીશભાઈ ભાણજીભાઈ દેવળીયાની નિમણૂક કરાઈ છે. સહમંત્રી તરીકે બળવંતભાઈ ઉકાભાઈ હળવદિયા અને પાર્થભાઈ કિરીટભાઈ નૈનાને જવાબદારી સોંપાઈ છે. સંગઠન મંત્રી તરીકે દિલીપભાઈ પ્રવિણચંદ્ર સીતાપરા, નરેશભાઈ શામજીભાઈ ધરોડીયા, ડો. અરુણભાઈ ભગવાનજીભાઈ સુરાણી, છગનભાઈ હરિભાઈ જાદવ, દિલીપભાઈ પરષોત્તમભાઈ બોરીચા, કમલેશભાઈ પ્રવીણભાઈ ગધાત્રા, હિતેશભાઈ નાગજીભાઈ આશીયાણી અને કેતનભાઈ જીવણભાઈ નૈનાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સોશિયલ મીડિયા કન્વીનર તરીકે તુષારભાઈ અરુણભાઈ સરવૈયા અને સતીશભાઈ નરશીભાઈ સતાપરાને જવાબદારી સોંપવામાં આવી છે.


