જેતપુરના જેતલસર જંકશન ખાતે ઉપવાસ આંદોલનનો સુખદ અંત
રેલવે તંત્ર દ્વારા ટ્રેન મેનેજરો અને લોકો પાઈલટોની બદલી તેમજ છૂટા કરવાના આદેશો જારી
અગ્ર ગુજરાત, જેતલસર
રાજકોટ લોબીથી જેતલસર લોબીમાં કુલ ૧૨ ટ્રેન મેનેજર અને ૫ લોકો પાઈલટની બદલીનો મામલો; તબક્કાવાર છૂટા કરવાનું સમયપત્રક જાહેર થતાં આંદોલનકારીઓની માંગણીઓને મળી સકારાત્મક દિશા
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર જંકશનમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન દરમિયાન રેલવેના અધિકારીઓએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને માંગણીઓ પરત્વે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પરિણામે એક અઠવાડિયા થયા ચાલતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હોવાનું મુખ્ય ઉપવાસી હનીફ બ્લોચએ સ્થાનિક અખબારી પ્રતિનિધિને જણાવ્યું હતું.
રેલવે તંત્રના સત્તાવાર દસ્તાવેજો અને આદેશો મુજબ રાજકોટ લોબી (જેસીએલઆર) થી જેતલસર લોબી (જેએલઆર) ખાતે મેલ-એક્સપ્રેસ ટ્રેન મેનેજરો અને લોકો પાઈલટોની બદલી તથા તેમને તબક્કાવાર છૂટા કરવા અંગેના મહત્ત્વપૂર્ણ આદેશો અગાઉ અને તાજેતરમાં જારી કરવામાં આવ્યા છે. ટ્રેનોના નિયમિત અને અવિરત સંચાલનમાં કોઈ અડચણ ઊભી ન થાય તે હેતુથી આ બદલી અને છૂટા કરવાની પ્રક્રિયા તબક્કાવાર પૂર્ણ કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક (સીનિયર ડીઓએમ) કાર્યાલય દ્વારા તા. ૨૩-૧૧-૨૦૨૬ના રોજ ફાઈલ નંબર ટી-૩૯૮-૬-૨ અન્વયે જારી કરાયેલા પત્ર મુજબ જેસીએલઆર લોબીના કુલ ૧૨ ટ્રેન મેનેજરની જેએલઆર લોબીમાં બદલી કરવામાં આવી છે. આ પૈકી તા. ૨૨-૧૧-૨૦૨૬ના રોજ માત્ર એક ટ્રેન મેનેજરને જેએલઆર લોબી માટે છૂટા કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ટ્રેન મેનેજરોને નિયત સમયપત્રક અનુસાર છૂટા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમયપત્રક મુજબ તા. ૨૪-૧૧-૨૦૨૬ના રોજ ૧, તા. ૨૫-૧૧-૨૦૨૬ના રોજ ૨, તા. ૨૬-૧૧-૨૦૨૬ના રોજ ૩, તા. ૨૭-૧૧-૨૦૨૬ના રોજ ૩ અને તા. ૨૮-૧૧-૨૦૨૬ના રોજ ૨ ટ્રેન મેનેજરને છૂટા કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલવે તંત્રે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનોનું સામાન્ય સંચાલન ખોરવાય નહીં તે રીતે તબક્કાવાર છૂટા કરવાની સાથે જેસીએલઆર લોબીમાં પણ ટ્રેન મેનેજરોની પૂરતી ઉપલબ્ધતા જાળવવામાં
ભાવનગર પરા સ્થિત મંડળ રેલ પ્રબંધક કાર્યાલય દ્વારા તા. ૨૦-૧૧-૨૦૨૬ના રોજ ઓર્ડર નંબર ઈટી-૨૧૧-૨૦૨૬ હેઠળ ગ્રુપ સી ઓપરેટિંગ સ્ટાફ અંતર્ગત મેટ્રિક્સ લેવલ-૬ના ૯ મેલ-એક્સપ્રેસ ટ્રેન મેનેજરની પોતાની વિનંતી પર સમાન પે-લેવલ અને વેતન સાથે જેસીએલઆર, રાજકોટથી જેતલસર (જેએલઆર) ખાતે બદલી કરવાના આદેશ જારી કરાયા હતા. આ આદેશ મુજબ રણજીતકુમાર આર. પ્રસાદ, આર.ડી. જેઠવા, રાજન બાબુ યાદવ, ભરત અંબાદાન સુરુ, વિશાલ એચ. ઠાકર, કેતન એમ. ડેર, જીતેન્દ્ર આર. જોશી, પ્રભાત રાજાભાઈ અને ભરત કુમાર ડી. નો સમાવેશ થાય છે. રેલવેના નિયમો અનુસાર આ કર્મચારીઓને કમ્પોઝિટ ટ્રાન્સફર ગ્રાન્ટ કે જોઈનિંગ લીવ મળવાપાત્ર રહેશે નહીં તથા રેલવે ક્વાર્ટર કબજામાં હોય તો છૂટા થયાની તારીખથી તે જાળવી રાખવા માટે મંજૂરી લેવાની રહેશે અને જગ્યા બદલીનો આદેશ અલગથી જારી કરવામાં આવશે.


