દેવપરા મેઈન રોડ પર દોસ્તી ગેંગના અડ્ડાઓથી સ્થાનિકો ત્રસ્ત
જંગલેશ્વરમાં દોસ્તી ગેંગના આશ્રયસ્થાનો બન્યા ન્યુસન્સ પોઇન્ટ!
પતરાના છાપરા અને ઓટલાઓ પર લુખ્ખા તત્વોના દિવસભરના અડીંગા : બહેન-દીકરીઓની અવરજવર મુશ્કેલ, છેડતી અને અનિચ્છનીય બનાવોના ભય વચ્ચે સ્થાનિકોની દોસ્તી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની માગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગુનાખોરી અને નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી વચ્ચે હવે દેવપરા મેઈન રોડ પર આવેલા દોસ્તી ગેંગના કહેવાતા આશ્રયસ્થાનો સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. આ વિસ્તારમાં ઠેરઠેર ઊભા કરવામાં આવેલા પતરાના છાપરા, ઓટલાઓ અને અન્ય સ્થળોએ લુખ્ખા તત્વો દ્વારા આખો દિવસ અડીંગો જમાવવામાં આવતો હોવાના સ્થાનિકોના આક્ષેપો છે. એક સમયે સામાન્ય અવરજવર માટે ઉપયોગમાં લેવાતા આ સ્થળો હવે ન્યુસન્સ પોઇન્ટ બની ગયાં હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિકોએ પોલીસ અને મહાનગરપાલિકા સામે કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ દેવપરા મેઈન રોડ પર દોસ્તી ગેંગ સાથે સંકળાયેલા હોવાનું કહેવાતા કેટલાક શખ્સોના અનેક આશ્રયસ્થાનો ઊભાં થયાં છે. આ સ્થળોએ સવારથી સાંજ સુધી કેટલાક લુખ્ખા તત્વો ટોળાં વળીને બેઠા રહેતા હોવાની ફરિયાદ છે. રસ્તા પર જ અડીંગો જમાવીને બેસતા આવા તત્વોના કારણે આસપાસના રહીશોમાં અસલામતીની લાગણી ફેલાઈ રહી છે. ખાસ કરીને બહેન-દીકરીઓ માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બનતું હોવાની સ્થાનિકોની વ્યથા છે.
સ્થાનિક મહિલાઓ અને રહીશોને ક્યારેક છેડતીનો ભય સતાવે છે તો ક્યારેક રસ્તા પરથી પસાર થતી વખતે કોઈ અજુગતી ઘટના ન બને તેની ચિંતા રહે છે. જાહેર માર્ગો અને રહેણાક વિસ્તારોમાં આ રીતે ટોળાં વળીને બેસતા તત્વો સામે સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં કોઈ ગંભીર બનાવ બને તેવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. લોકોનો સવાલ છે કે પોતાના જ વિસ્તારમાંથી પસાર થતી વખતે જો બહેન-દીકરીઓએ ભય અનુભવવો પડે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે જવાબદારી કોની? અત્રે ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરમાં નશાના કારોબાર અને ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને અગાઉ પણ અનેક સવાલો ઊઠ્યા છે. ભક્તિનગર પોલીસના દરોડામાં દેવપરા મેઈન રોડ પર નદીમ હનીફ લિંગડિયાના ઘરેથી 50 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોમાં દોસ્તી ગેંગ તરીકે ઓળખાતા જૂથની પ્રવૃત્તિઓ અને તેના આશ્રયસ્થાનો અંગે ચર્ચાઓ વધુ તેજ બની છે. જોકે, આ તમામ આક્ષેપોની પોલીસ દ્વારા તટસ્થ તપાસ થવી જરૂરી છે.
હવે સ્થાનિકોની માગ માત્ર પોલીસ પેટ્રોલિંગ પૂરતી સીમિત રહી નથી. દોસ્તી ગેંગ તરીકે ઓળખાતા જૂથની સમગ્ર કુંડળી તપાસી, ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી પુરવાર થાય તો ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. અગાઉ સંજય ઉર્ફે સુલતાન ગેંગ સામે ગુજસીટોક હેઠળ થયેલી કાર્યવાહી બાદ પણ જો નવા નામે આવા તત્વો સક્રિય હોવાની ફરિયાદો ઊઠતી હોય તો પોલીસ માટે આ બાબત ગંભીરતાથી લેવી જરૂરી બની છે.
બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા દેવપરા મેઈન રોડ પર ઊભા કરવામાં આવેલા પતરાના છાપરા, ગેરકાયદે ઓટલાઓ અને જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવે તેવી પણ સ્થાનિકોએ માગ કરી છે. આવા સ્થળો લુખ્ખા તત્વોના અડીંગા બની રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે મહાનગરપાલિકાએ સ્થળ તપાસ કરી નિયમ મુજબ દબાણ હટાવવાની કાર્યવાહી કરવી જોઈએ. હવે જોવાનું એ છે કે પોલીસ દોસ્તી ગેંગની કહેવાતી પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી કડક પગલાં ભરે છે કે પછી બહેન-દીકરીઓની સુરક્ષાનો પ્રશ્ન અને સ્થાનિકોની ફરિયાદો કાગળ પર જ રહી જાય છે?
બહેન-દીકરીઓ માટે રસ્તો બન્યો મુશ્કેલીનો
દેવપરા મેઈન રોડ પર કેટલાક સ્થળોએ લુખ્ખા તત્વો આખો દિવસ અડીંગો જમાવીને બેસતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ટોળાં વળીને બેસતા આવા તત્વોના કારણે મહિલાઓ અને યુવતીઓને ત્યાંથી પસાર થવામાં સંકોચ અને અસલામતી અનુભવાતી હોવાના આક્ષેપો છે. સ્થાનિકો હવે સુરક્ષિત અવરજવર માટે તાત્કાલિક પગલાંની માગ કરી રહ્યા છે.
આશ્રયસ્થાનો નહીં, ન્યુસન્સ પોઇન્ટ બની ગયા
દેવપરા મેઈન રોડ પર દોસ્તી ગેંગ સાથે સંકળાયેલા હોવાનું કહેવાતા તત્વોના અનેક અડીંગા હોવાની ચર્ચા છે. પતરાના છાપરા અને ઓટલાઓ પર દિવસભર ટોળાં જામતાં હોવાના કારણે આ સ્થળો સ્થાનિકો માટે ન્યુસન્સ પોઇન્ટ બની ગયાં હોવાની ફરિયાદો ઊઠી છે.
ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની માગ
અગાઉ સુલતાન ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ હતી. હવે દોસ્તી ગેંગ તરીકે ઓળખાતા જૂથની પણ ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ કરી, ગુનામાં સંડોવણીના પુરાવા મળે તો ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.
મનપા પતરાના છાપરા અને ઓટલા તોડે
દેવપરા મેઈન રોડ પર ઊભા કરવામાં આવેલા પતરાના છાપરા, ઓટલાઓ અને જાહેર જગ્યાના દબાણો દૂર કરવાની માગ પણ પ્રબળ બની છે. સ્થાનિકોના મતે આવા સ્થળો પર અડીંગા જમાવીને બેસતા તત્વોને કારણે આસપાસનું વાતાવરણ બગડી રહ્યું છે. મહાનગરપાલિકા સ્થળ તપાસ કરી નિયમ મુજબ દબાણો દૂર કરે તેવી માગ છે.


