સ્વ.વેલજીભાઈ સરવૈયાની પુણ્યતિથિએ રવિવારે વિરપુરમાં ‘જલારામ પ્રવેશદ્વાર’નું લોકાર્પણ
સરવૈયા પરિવાર દ્વારા સ્વ. વેલજીભાઈની સ્મૃતિને કાયમી રાખવા કલાત્મક પ્રવેશદ્વાર બનાવાયો
અગ્ર ગુજરાત, વીરપુર(જલારામ)
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની પવિત્ર ભૂમિ વિરપુર ખાતે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના મોભી, જ્ઞાતિરત્ન અને જનસંઘ સમયથી ભાજપના વરિષ્ઠ આગેવાન તરીકે આગવી ઓળખ ધરાવતા સ્વ. વેલજીભાઈ સરવૈયાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં નિર્માણ પામેલા ‘જલારામ પ્રવેશદ્વાર’નું ભવ્ય લોકાર્પણ તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૬ના રવિવારના રોજ કરવામાં આવશે. ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે આ પ્રવેશદ્વારનું લોકાર્પણ યોજાશે.
વિરપુર ગામની શોભામાં વધારો થાય અને સ્વ. વેલજીભાઈ સરવૈયાની યાદો લોકમાનસમાં કાયમી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી સરવૈયા પરિવાર દ્વારા જેતપુર રોડ ઉપર હોટલ તોરણ પાસે કલાત્મક અને સુંદર પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રવેશદ્વારને ‘જલારામ પ્રવેશદ્વાર’ નામ આપવામાં આવ્યું છે, જે વિરપુરમાં પ્રવેશતા યાત્રાળુઓ અને મુલાકાતીઓ માટે ગામની આગવી ઓળખ સમાન બનશે.
ઉલ્લેખનીય છે કે સ્વ. વેલજીભાઈ સરવૈયા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના મોભી, જ્ઞાતિરત્ન અને ભાજપના પાયાના કાર્યકર તથા વરિષ્ઠ આગેવાન તરીકે લોકચાહના ધરાવતા હતા. રાજકોટ જિલ્લો, ખાસ કરીને વિરપુર પંથક અને જેતપુર તાલુકામાં ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું. જનસંઘના સમયથી તેમણે પક્ષના પાયાના કાર્યકર તરીકે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામગીરી કરી હતી.
તા.૨૯ નવેમ્બરના રોજ યોજાનારા આ લોકાર્પણ સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત જેતપુરના અગ્રણીઓ મનસુખભાઈ ખાચરિયા, જશુમતીબેન કોરાટ, તાલુકા ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો, જેતપુર તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિરપુરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ગોરધનભાઈ ધામેલિયા, જનકભાઈ ડોબરિયા, દીપકભાઈ ગાજીપરા, નરેશભાઈ ડોબરિયા, દિનેશભાઈ વઘાસિયા, સરપંચ રમેશભાઈ સરવૈયા, કોળી જ્ઞાતિના પ્રમુખ કેશુભાઈ મેર સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
સાથે જ જેતપુર તાલુકા, સૌરાષ્ટ્ર પ્રાંત તેમજ રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ, વિરપુરની શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યશ્રીઓ, વેપારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સ્વ. વેલજીભાઈ સરવૈયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.


