પ્રેમનું અંતિમ સમર્પણ: દ્રષ્ટિકોણ બદલતી એક હૃદયસ્પર્શી ગાથા.
માતા-પિતાની સેવા એ માત્ર કર્તવ્ય નથી, પરંતુ આપણા સંસ્કાર અને માનવતાની સાચી ઓળખ છે.
સમાજના ચુકાદા કરતાં સંબંધોની સંવેદના મોટી છે, ક્યારેક ત્યાગનું સાચું સ્વરૂપ સમજવા માટે આંખોથી નહીં, હૃદયથી જોવું પડે છે.
આજના સમયમાં આપણે એવા સમાજમાં જીવીએ છીએ, જ્યાં કોઈ ઘટના બને તે પહેલાં તેના વિશેની ચર્ચા શરૂ થઈ જાય છે અને વાસ્તવિકતા જાણ્યા પહેલાં જ ચુકાદો આપી દેવામાં આવે છે. કોઈના જીવનનો એક પ્રસંગ જોઈને આપણે તેના સમગ્ર વ્યક્તિત્વને માપી લઈએ છીએ. કોઈના સંબંધમાં અંતર દેખાય તો સ્વાર્થનું અનુમાન કરીએ છીએ, કોઈનો નિર્ણય અણગમતો હોય તો તેને નિર્દયતાનું નામ આપીએ છીએ. પરંતુ શું દરેક દેખાતી હકીકત જ સંપૂર્ણ સત્ય હોય છે?
જીવનની કેટલીક ઘટનાઓ એવી હોય છે, જે આપણને પોતાની વિચારસરણી સામે ઊભા કરી દે છે. આપણને સમજાવે છે કે માણસના વર્તન પાછળ ક્યારેક એવી મજબૂરી, વેદના અને લાગણી છુપાયેલી હોય છે, જેની કલ્પના પણ આપણે કરી શકતા નથી.
માતા અને પુત્રના સંબંધ પર આધારિત એક હૃદયસ્પર્શી પ્રસંગ આ જ વાતનો અદ્ભુત સંદેશ આપે છે. એક વૃદ્ધ માતા, જેણે પોતાના જીવનનાં તમામ સુખોનો ત્યાગ કરીને એકમાત્ર પુત્રને ઉછેર્યો હતો. પિતાની છત્રછાયા વિના, કપડાં સીવીને, અનેક મુશ્કેલીઓનો સામનો કરીને તેણે પુત્રને ડૉક્ટર બનાવ્યો. માતાની આંખોમાં પુત્રના ઉજ્જવળ ભવિષ્યનાં સપનાં હતાં. પુત્ર પણ પોતાની માતાને સુખી જીવન આપવાની ઇચ્છા ધરાવતો હતો.
પરંતુ સમયના ક્રૂર વળાંકે આ સંબંધને એવી પરિસ્થિતિમાં મૂકી દીધો કે જ્યાં પ્રેમની અભિવ્યક્તિ પણ ત્યાગ બની ગઈ. આ પ્રસંગ અનુસાર, ડૉક્ટર પુત્રને બ્લડ કેન્સરનું અંતિમ તબક્કાનું નિદાન થયું હતું. તબીબી જ્ઞાન ધરાવતો હોવાથી તેને પોતાની બીમારીની ગંભીરતા અને આવનારા સમયની વાસ્તવિકતાનો ખ્યાલ હતો.
જે માતાએ જીવનભર પુત્રને દુઃખથી બચાવ્યો હતો, તે માતા પોતાના પુત્રની અંતિમ વેદના સહન કરી શકશે કે નહીં, એ વિચાર તેને અંદરથી હચમચાવી રહ્યો હતો. તેથી તેણે એક એવો નિર્ણય લીધો, જેને બહારથી જોનાર દરેક વ્યક્તિ ખોટો સમજી શકે. તેણે માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી અને વિદેશ જવાનું બહાનું આપ્યું. ત્યારબાદ તે પાછો ફર્યો નહીં.
સમાજે તેને સ્વાર્થી, કપટી અને માતાને તરછોડી દેનાર પુત્ર ગણ્યો. પરંતુ આ પ્રસંગમાં જણાવાયેલી વાસ્તવિકતા કંઈક જુદી હતી. પુત્ર પોતાની માતાને પોતાના અંતિમ દિવસોની અસહ્ય પીડાથી બચાવવા માગતો હતો. પોતાના મૃત્યુ પહેલાં તેણે પોતાની સંપત્તિ આશ્રમના નામે કરી દીધી અને પોતાના અવાજનાં રેકોર્ડિંગ્સ પણ છોડ્યાં, જ્યારે માતા ફોન કરે ત્યારે માતાને એવો ભાસ રહે કે તેનો પુત્ર જીવિત અને સુરક્ષિત છે.
આ પ્રસંગનું સત્ય હૃદયને સ્પર્શે છે. એક પુત્ર પોતાની માતાને પોતાની અંતિમ વેદનાથી દૂર રાખવા માટે પોતે જ સમાજની નજરમાં નિર્દય બની જાય છે. આવી લાગણીને શબ્દોમાં માપી શકાય નહીં. અહીં પુત્રનો ત્યાગ માત્ર માતાને છોડવાનો નિર્ણય નથી, પરંતુ માતાની લાગણીને પોતાના જીવન કરતાં પણ વધુ મહત્વ આપવાની એક કરુણ અભિવ્યક્તિ છે.
પરંતુ આ પ્રસંગ આપણને એક બીજો પ્રશ્ન પણ પૂછે છે, શું પ્રેમને સાબિત કરવા માટે સંબંધોથી દૂર જવું જરૂરી છે? શું દુઃખથી બચાવવા માટે સત્ય છુપાવવું જ એકમાત્ર માર્ગ છે? કદાચ નહીં. આ પ્રસંગનો સાર કોઈ એક નિર્ણયને યોગ્ય ઠેરવવામાં નથી, પરંતુ તેની પાછળ રહેલી લાગણીને સમજવામાં છે.
માતાનો પ્રેમ એવો સંબંધ છે, જેમાં ગણતરીને સ્થાન નથી. બાળકના પ્રથમ શ્વાસથી લઈને તેના જીવનના દરેક પડાવ સુધી માતાની લાગણી તેની સાથે ચાલે છે. માતા પોતાના સંતાન પાસેથી સંપત્તિ, પ્રતિષ્ઠા કે કોઈ મોટું વળતર માગતી નથી. તેને માત્ર એટલું જોઈએ છે કે સંતાન સુખી રહે, સુરક્ષિત રહે અને જીવનમાં સારા માર્ગે આગળ વધે. પરંતુ જ્યારે એ જ માતા વૃદ્ધ થાય છે, ત્યારે સંબંધોની કસોટી શરૂ થાય છે.
જે હાથોએ આપણને ચાલતાં શીખવ્યું, એ હાથ ધ્રૂજવા લાગે છે. જે અવાજે આપણને હિંમત આપી, એ અવાજ ધીમો પડી જાય છે. જે આંખોએ આપણાં સપનાં જોયાં, એ આંખોને હવે આપણી હાજરીની રાહ હોય છે. આ સમયે માતા-પિતાને માત્ર દવા કે ભોજનની જરૂર નથી હોતી. તેમને પોતાના સંતાનોનો સમય, વાતચીત, પ્રેમ અને આત્મીયતાની જરૂર હોય છે. ઘણીવાર વૃદ્ધ માતા-પિતા કંઈ માગતા પણ નથી. તેઓ માત્ર એટલું જ કહે છે, “બેટા, થોડો સમય મારી પાસે બેસ.” આ એક વાક્યમાં આખી જિંદગીનો પ્રેમ સમાયેલો છે.
આજે પરિવારોનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. નોકરી, વ્યવસાય, વિદેશગમન, આર્થિક જવાબદારીઓ અને જીવનની દોડધામને કારણે સંતાનો અને માતા-પિતા વચ્ચેનું અંતર વધતું જાય છે. આ પરિવર્તન ખોટું નથી. સંતાનોનું આગળ વધવું, પોતાની કારકિર્દી બનાવવી અને જીવનમાં પ્રગતિ કરવી સ્વાભાવિક છે. પરંતુ પ્રગતિની દોડમાં જો માતા-પિતાની લાગણીઓ પાછળ રહી જાય, તો એ પ્રગતિ અધૂરી છે. વૃદ્ધાશ્રમોમાં રહેતા વડીલોની કેટલીક વાસ્તવિક વાર્તાઓ આપણને વિચારવા મજબૂર કરે છે. વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વડીલને સંતાનો દ્વારા તરછોડવામાં આવ્યા છે એવું માનવું પણ યોગ્ય નથી. કેટલીક પરિસ્થિતિઓમાં વૃદ્ધાશ્રમ યોગ્ય સંભાળ, સારવાર અને સુરક્ષા અને એકલતા દૂર કરવાનું માધ્યમ બને છે.
આપણે વારંવાર કહીએ છીએ કે આજનો સમાજ લાગણી વિહીન બની રહ્યો છે. પરંતુ શું ખરેખર લાગણીઓ મરી રહી છે, કે પછી લાગણીઓને વ્યક્ત કરવાની આપણી રીત બદલાઈ રહી છે? આજે એક જ ઘરમાં રહેતા પરિવારના સભ્યો એકબીજા સાથે વાત કરવા કરતાં મોબાઇલમાં વધુ વ્યસ્ત રહે છે. ભોજનની થાળીઓ સાથે હોય છે, પરંતુ હૃદય વચ્ચે અંતર હોય છે. માતા-પિતા સંતાનોની રાહ જુએ છે, જ્યારે સંતાનો પોતાના વ્યસ્ત જીવનમાં સમય શોધતા રહે છે. અહીં સમસ્યા માત્ર સમયની અછત નથી. ઘણીવાર સમસ્યા પ્રાથમિકતાની પણ હોય છે.
માતા-પિતાને મોંઘી ભેટ આપવી સરળ છે, પરંતુ તેમની સાથે બેસીને જૂની વાતો સાંભળવી મુશ્કેલ લાગે છે. તેમને તીર્થયાત્રાએ લઈ જવું શક્ય છે, પરંતુ રોજિંદા જીવનમાં તેમની લાગણીઓને સમજવી મુશ્કેલ બને છે. સાચો પ્રેમ દેખાડામાં નહીં, પરંતુ સતત હાજરીમાં વસે છે.
માતા-પિતાને પૂછેલો એક પ્રશ્ન, “તમારી તબિયત કેવી છે?” તેમના માટે આખા દિવસની ખુશી બની શકે છે. તેમના અનુભવને ધ્યાનથી સાંભળવું એ માત્ર વાતચીત નથી, પરંતુ તેમના અસ્તિત્વનો સ્વીકાર છે. પ્રેમની ભાષા મોટી હોવી જરૂરી નથી. ક્યારેક એક નાનો સ્પર્શ, એક ફોનકૉલ અને થોડો સમય પણ જીવનની સૌથી મોટી ભેટ બની જાય છે.
આપણે આ હૃદયસ્પર્શી પ્રસંગમાંથી પ્રેમની ઊંડાઈ સમજીએ, પરંતુ તેનો અર્થ એવો ન કાઢીએ કે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવું એ પ્રેમનું સ્વરૂપ છે.
સાચો પ્રેમ પરિસ્થિતિ પ્રમાણે જવાબદારી નિભાવવાનું શીખવે છે. જો કોઈ સંતાન પોતાના માતા-પિતાની યોગ્ય સંભાળ રાખવામાં અસમર્થ હોય, તો પરિવારના અન્ય સભ્યો, વિશ્વાસપાત્ર સંભાળ આપનારાઓ અને યોગ્ય સંસ્થાઓની મદદ લેવી એ પણ જવાબદારીનું જ સ્વરૂપ છે. મહત્વનું એ છે કે માતા-પિતાને નિર્ણયમાં સામેલ કરવામાં આવે, તેમની ઇચ્છા અને આત્મ સન્માનનું જતન થાય તથા તેમની સાથેનો સંબંધ તૂટે નહી એ મહત્વનું છે.
વડીલોની સંભાળ માત્ર પુત્રની જવાબદારી નથી. પુત્રી, પુત્રવધૂ, જમાઈ, પરિવારના અન્ય સભ્યો અને સમાજ પણ તેમાં સહભાગી બની શકે છે. રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ હજારો વૃદ્ધો જે નિઃસહાય અને ગંભીર બીમારી વાળા વૃદ્ધોની સેવા કરી રહ્યું છે. માતા-પિતાની સેવા કોઈ એક વ્યક્તિનું કર્તવ્ય નહીં, પરંતુ સમગ્ર પરિવારની સંસ્કૃતિ બનવી જોઈએ.
સંવેદનાનો અર્થ માત્ર પોતાના પરિવાર સુધી મર્યાદિત રહેવાનો નથી. બીજાના માતા-પિતાને પણ પોતાના વડીલોની જેમ સન્માન આપવું એ સાચી માનવતા છે. લાગણીનો દીવો હજી બુઝાયો નથી.
સમાજમાં જ્યાં એક તરફ વડીલોની અવગણનાની ઘટનાઓ સામે આવે છે, ત્યાં બીજી તરફ માનવતાના દીવા પ્રગટાવનાર લોકો પણ છે.
કોઈ નિરાધાર વડીલને રસ્તા પરથી ઉઠાવીને આશ્રય આપવો, કોઈ એકલવાયા વૃદ્ધની વાત સાંભળવી, કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને વડીલો સાથે સમય વિતાવવો, આ બધાં કાર્યો કદાચ દુનિયા બદલી ન શકે, પરંતુ કોઈ એક વ્યક્તિનું આખું જીવન બદલી શકે છે. આજ સાચી સેવા છે. આ જ સાચો ધર્મ છે.
માતા-પુત્રના આ પ્રસંગમાં પુત્રનો પ્રેમ જેટલો ઊંડો છે, એટલો જ ઊંડો સંદેશ સમાજ માટે પણ છે.
આપણને શીખવા મળે છે કે કોઈ વ્યક્તિના જીવનનો નિર્ણય બહારથી જોઈને તેના હૃદયની લાગણી માપી શકાતી નથી. ક્યારેક મૌન પાછળ વેદના હોય છે, અંતર પાછળ મજબૂરી હોય છે અને કઠોર દેખાતા નિર્ણય પાછળ પણ પ્રેમનો દરિયો છલકાતો હોય છે. પરંતુ આ સાથે એ પણ સમજવું જરૂરી છે કે સાચો પ્રેમ માત્ર લાગણીમાં નહીં, પરંતુ જવાબદારીમાં પ્રગટે છે.
ચાલો, કોઈના સંબંધ વિશે ચુકાદો આપતાં પહેલાં તેની લાગણી સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ વૃદ્ધ માતા-પિતાની આંખોમાં રાહ દેખાય તો તેમની પાસે બેસીએ. કોઈ વડીલ એકલતા અનુભવે તો તેમની સાથે વાત કરીએ. અને પોતાના માતા-પિતાને એટલો પ્રેમ આપીએ કે તેમને ક્યારેય એવું ન લાગે કે જીવનની સંધ્યાએ તેઓ એકલા પડી ગયા છે.
જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે, ત્યાં સંસ્કારોની સુગંધ રહે છે. જે સમાજમાં વડીલોની લાગણીઓનું જતન થાય છે, ત્યાં માનવતા જીવંત રહે છે.
માતા-પિતાને આપેલો પ્રેમ ક્યારેય વ્યર્થ જતો નથી. તે આશીર્વાદ બનીને જીવનમાં પાછો આવે છે.
સંબંધોનું સાચું મૂલ્ય અંતરથી નહીં, પરંતુ લાગણીથી સમજાય છે, અને માતા-પિતાનો પ્રેમ એ જીવનની એવી મૂડી છે, જેનુ ઋણ કોઈ સંતાન ક્યારેય ચૂકવી શકતું નથી.


