- અમારા ઘર પાસેથી નીકળવાનું નહીં તેમ કહી પાઈપ વડે અને ઢીંકાપાટુનો માર માર્યો
- ઘર પાસેથી નીકળેલા બે શખ્સોની સામે જોતા ધમકી આપી કાચની બારી અને મોપેડને નુકસાન કર્યું
- પોલીસની બંનેની ફરિયાદ આધારે કાર્યવાહી
ધ્રાંગધ્રાના હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ઘર પાસેથી બાઈક લઈને નીકળવા જેવી સામાન્ય બાબતમાં બે પરિવારો વચ્ચે બોલાચાલી ઝઘડામાં પરીણમી હતી. જેમાં બન્ને પક્ષે સામ-સામી ફરિયાદ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાઈ છે.
ધ્રાંગધ્રાના હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં મોઈનભાઈ અનવરભાઈ કટીયા રહે છે. ગત તા. 28મીના રોજ સાંજે તેઓ ઘરની બહાર બેઠા હતા. આ સમયે અખતર મહેબુબભાઈ કટીયા અને દાદુ યાસીનભાઈ જામ બાઈક લઈને વારંવાર ત્યાંથી નીકળતા હતા. આથી મોઈનભાઈએ સામે જોતા અખતરે સામે કેમ જુએ છે? તેમ કહી બોલાચાલી કરી હતી. અને અખતર કટીયા, દાદુ જામ, અમરૂદ્દીન મહેબુબભાઈ કટીયા તથા હુસેનાબેન મહેબુબભાઈ કટીયાએ મોઈનભાઈને માર મારી ધારીયુ તથા લાકડાના ધોકા વડે મોઈનભાઈના ઘરના બારીના કાચ, ખુરશી અને સ્કુટીને નુકશાન પહોંચાડયુ હતુ. અને મોઈનભાઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સામાપક્ષે દોસ્તમહમદ ઉર્ફે દાદુ યાસીનભાઈ જામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેઓ તથા અખતર કટીયા બાઈક લઈને મોઈનના ઘર પાસેથી નીકળતા અહીંથી બાઈક લઈને નીકળવાનું નહી તેમ કહી બોલાચાલી કરી હતી. અને મોઈન અનવરભાઈ કટીયા, મુમતાઝ અયુબભાઈ મોવર અને વસીમ અનવરભાઈ કટીયાએ અખતર તથા દાદુને પાઈપ અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના એચસી જે.આર.પીપળીયા ચલાવી રહ્યા છે.


