હળવદ પાલિકાના કારોબારી ચેરમેનનું રાજીનામું! માત્ર ખુરશી મળી અધિકારી નહીં?
ચાર મહિનાથી બિલો મંજૂર ન થતાં ચેરમેને પ્રમુખને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી; સત્તા, અધિકાર અને માન-સન્માનના અભાવના આક્ષેપ
અગ્ર ગુજરાત, હળવદ
નગરપાલિકામાં હોદ્દો મળવો એ એક બાબત છે, પરંતુ એ હોદ્દાને અનુરૂપ સત્તા, અધિકાર અને કામ કરવાની સ્વતંત્રતા મળવી એ અલગ બાબત છે. હળવદ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેનના રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં આ સવાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
હળવદ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન મહેશભાઈ કણઝરીયા એ પોતાની નારાજગી વ્યક્ત કરતાં રાજીનામું આપ્યું છે. કારોબારી સમિતિની કામગીરી, હોદ્દાને અનુરૂપ અધિકારો અને માન-સન્માનના અભાવ સહિતના મુદ્દાઓને લઈને તેમણે અસંતોષ વ્યક્ત કર્યો છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્ત્વનો મુદ્દો કારોબારી સમિતિના બિલોને લગતો છે. છેલ્લા ચાર મહિનાથી બિલો મંજૂર ન થતાં ચેરમેન મહેશભાઈ કણઝરીયાએ નગરપાલિકાના પ્રમુખને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સમિતિની સત્તા અને કામગીરી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી છે.
નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના પાછળનો હેતુ વહીવટી કામગીરીને સુવ્યવસ્થિત બનાવવાનો અને જવાબદારીઓની વહેંચણી કરવાનો હોય છે. પરંતુ હોદ્દેદારને પોતાની જવાબદારી મુજબ કામગીરી કરવાની તક ન મળતી હોવાની ફરિયાદ ઊભી થાય, ત્યારે વહીવટી સંકલન સામે પણ સવાલો ઊભા થાય છે.
હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકાનું સત્તાધીશ મંડળ ચેરમેનની નારાજગીનું નિરાકરણ લાવે છે કે પછી કારોબારી સમિતિની સત્તા અને કામગીરીને લઈને ઊભા થયેલા સવાલો વધુ ગંભીર બને છે.


