ભક્તિનગર રેલવે ટ્રેક પર આગ ભભૂકી, ટ્રેન આવવાની તૈયારી વચ્ચે મુસાફરોમાં ફફડાટ
ટ્રેન પસાર થવાની ગણતરીની મિનિટો પહેલાં સૂકા ઘાસમાં આગ ભભૂકી : સ્ટેશન માસ્તરની સતર્કતાથી RPF દોડી, તાત્કાલિક આગ બુઝાવતાં મોટી દુર્ઘટના ટળી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પર આજે આગની ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેન આવવાની તૈયારી હતી તે જ સમયે રેલવે ટ્રેકની બાજુમાં આવેલા સૂકા ઘાસ અને ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઊઠતાં પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ટ્રેક નજીકથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને મુસાફરોમાં ગભરાટ વ્યાપ્યો હતો. જોકે, સ્ટેશન માસ્તરની સમયસૂચકતાથી RPFના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેતાં સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ભક્તિનગર રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્તરની ઓફિસની સામે આવેલી ઝાડી-જાંખરામાં રાત્રિના આશરે 7:50 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. સૂકા ઘાસને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જ સમયે ટ્રેનના આગમનનો સમય નજીક હોવાથી ટ્રેકની બાજુમાં આગ અને ધુમાડો જોઈને પ્લેટફોર્મ પર હાજર મુસાફરો ચિંતિત બની ગયા હતા. એક તરફ ટ્રેનના આગમનની ઘડીઓ ગણાઈ રહી હતી તો બીજી તરફ ટ્રેકની બાજુમાં આગના ભડકા ઊઠતાં રેલવે સ્ટાફ પણ દોડતો થયો હતો. પરિસ્થિતિની ગંભીરતા પારખીને સ્ટેશન માસ્તરે તાત્કાલિક RPF અને અન્ય રેલવે કર્મચારીઓને જાણ કરી હતી. જાણ થતાં જ RPFના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિલંબ કર્યા વગર આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જવાનોની ત્વરિત કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવી ગણતરીની મિનિટોમાં જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ટ્રેનના આગમન સમયે જ આ ઘટના બની હોવાથી મુસાફરોમાં અકસ્માતની આશંકા સાથે ભારે ગભરાટ જોવા મળ્યો હતો. જોકે, રેલવે તંત્રની સતર્કતાના કારણે પરિસ્થિતિ સમયસર નિયંત્રણમાં આવી ગઈ હતી. આ બનાવમાં કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે રેલવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


