ભારતમાં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. આ પ્રાચીન મંદિરોમાં સૌથી પ્રસિદ્ધ પ્રાચીન મંદિરોમાં મુક્તેશ્વર ધામનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના નૈનિતાલ શહેરથી અંદાજે 51 કિમી દૂર મુક્તેશ્વર ધામ આવેલું છે, જે મંદિરને લીધે તો વધુ જાણીતું છે જ સાથેસાથે તેના પ્રાકૃતિક સૌંદર્યથી પણ વધુ જાણીતું છે. મુક્તેશ્વર મંદિર 350 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન મંદિર છે. મુક્તેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. મુક્તેશ્વર મંદિર સૌથી ઊંચા સ્થાન પર આવેલું છે, સમુદ્રતટથી તેની ઊંચાઇ લગભગ 2312 મીટર છે.
શિવને સમર્પિત મંદિરો પૈકીનું એક મંદિર
મુક્તેશ્વર મંદિર હિન્દુ ધર્મગ્રંથમાં ભગવાન શિવને સમર્પિત અઢાર મંદિરોમાંનું એક મંદિર કહેવાય છે. મૂળ આ મંદિર ધાર્મિક સ્થળની સાથેસાથે પર્યટન સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. મુક્તેશ્વર મંદિરમાં આરસપહાણનું શિવલિંગ છે. આ સિવાય અહીં મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, માતા પાર્વતી, પવનપુત્ર હનુમાન અને નંદી સહિત અનેક દેવી-દેવતાઓની મૂર્તિ પણ સ્થાપિત છે. આ મંદિર શ્રી મુક્તેશ્વર મહારાજજીનું ઘર પણ માનવામાં આવે છે, જે ધ્યાન લગાવવા માટેનું પણ યોગ્ય સ્થળ કહેવાય છે.
મુક્તેશ્વરની પૌરાણિક કથા
ઉપર જણાવ્યું તેમ આ મંદિર ભગવાન શિવને સમર્પિત મુખ્ય 18 મંદિરો પૈકીનું એક છે. આ મંદિર વિશે એક પૌરાણિક કથા પણ ખૂબ જ પ્રચલિત છે. પૌરાણિક કથા પ્રમાણે એક વાર દાનવ અને ભગવાન શિવની વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ એટલું ભયંકર હતું કે તેનાથી સમગ્ર જીવસૃષ્ટિ હચમચી ઊઠી હતી. અંતે યુદ્ધમાં દાનવ પરાજિત થઇ જાય છે અને તેને મુક્તિ પણ મળી જાય છે. તેથી આ મંદિરનું નામ મુક્તેશ્વર પડ્યું હોવાનું માનવામાં આવે છે. તો બીજી એક પ્રચલિત કથા એવી છે કે કેટલાય દેવતા અને પાંડવોએ આ મંદિરની પૂજા કરીને મંદિરને પાવન કર્યું હતું. પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવતા હતા ત્યારે તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. આ સ્થાપિત શિવલિંગનું આયુષ્ય 5350 વર્ષ કરતાં પણ વધુનું માનવામાં આવે છે. આ મંદિર વિશે એવું પણ કહેવાય છે કે, આ મંદિરનું ભવ્ય નિર્માણ વાસ્તુશિલ્પ સોમવંશી વંશના રાજા યયાતિ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું.
મુક્તેશ્વર મંદિરનું ધાર્મિક મહત્ત્વ
વાર-તહેવારે અને ખાસ પ્રસંગે અહીં ભગવાન શિવના ભક્તો દ્વારા વિધિસર પૂજા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અહીં ધાર્મિક કાર્યક્રમો અને અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે જે દંપતી નિસંતાન હોય છે તેમને અહીં સંતાનપ્રાપ્તિ થાય છે. જે માટે નિસંતાન દંપતીએ અહીં માટીનાં દીવડાંથી ભગવાનને મનોમન સંતાનપ્રાપ્તિ માટેની પ્રાર્થના કરવાની હોય છે. આમ કરવાથી તેમને ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને નિસંતાન દંપતીને ત્યાં ખોળો ભરાઈ જાય છે.
મુક્તેશ્વર ધામની વાસ્તુકલા
મુક્તેશ્વર મંદિર ઓડિશાની વાસ્તુકલાનો એક અદ્ભુત નમૂનો છે, જે ભારતનાં સંરક્ષિત સ્મારકોની યાદીમાં સ્થાન પામેલું છે. આ મંદિરની વાસ્તુકલા ખૂબ જ આકર્ષક છે અને અહીં ભગવાન શિવજીના શિવલિંગની સાથેસાથે એવી ઘણી મૂર્તિઓ પણ છે જે અલગ અલગ ધ્યાનમુદ્રામાં છે. અહીં પશ્ચિમની તરફ મુખવાળા મુક્તેશ્વર મંદિરની સંરચના વાસ્તુકલાના કલિંગ શૈલીના પ્રારંભિક અને ત્યારબાદના સમયના વચ્ચે થયેલા બદલાવને પ્રદર્શિત કરે છે. કલિંગ શૈલી તે સમયની વાસ્તુકલાની સૌથી પ્રમુખ શૈલી હતી. મંદિરના મુખ્ય વાસ્તુકલામય રીતે તોરણ ખૂબ જ આકર્ષણ ધરાવે છે, કારણ કે આ તોરણમાં મહિલાઓનું સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. આ સિવાય તે કોતરણીમાં તેમણે પહેરેલાં ઘરેણાંનું કામ ખૂબ જ બારીકાઈપૂર્વક કરવામાં આવ્યું છે જે મન મોહી લે તેવું છે.
મુક્તેશ્વર મંદિરની ઊંચાઈ અંદાજે 35 ફૂટ છે અને તેમાંથી એક સામાન્ય સંરચના છે જે મોટી નથી. મંદિરમાં આવેલી બારીઓમાં હીરા(ડાયમંડ)ની આકૃતિ જોવા મળે છે. આ સિવાય મંદિરમાં પંચતંત્રની વાર્તાથી પ્રેરિત કલાકૃતિઓ પણ છે જે મંદિરની દીવાલોમાં જોવા મળે છે. મૂળ મંદિરનું ગર્ભગૃહ અને પરસાળ ઉપરાંત તેની આસપાસની જગ્યાઓ વાસ્તુકલાની દૃષ્ટિએ ઉમદા છે.
મુક્તેશ્વર મંદિરમાં દર્શન કરવાનો સમય
જો તમે મુક્તેશ્વર મંદિરના દર્શનાર્થે જવાના હોવ તો ત્યાં જવા માટેનો સૌથી સારો સમય ઓક્ટોબરથી એપ્રિલ મહિનાનો છે. આ મહિનાઓમાં મુક્તેશ્વરમાં મોટાભાગના તહેવારો-ઉત્સવ મનાવવામાં આવે છે, જેનો લાભ લઇ શકાય છે. આ તહેવારમાં એક ઉત્સવ `એકામ્ર’ નામે ઊજવાય છે જે રાજ્યમાં વસતા લોકો ઊજવે છે. આ ઉત્સવ ચાર દિવસ સુધી મનાવવામાં આવે છે. જો તમે મુક્તેશ્વરની યાત્રા આરામદાયક રીતે કરવા માંગતા હોવ તો વરસાદની ઋતુમાં જવાનું ટાળવું જોઇએ. તમે ઠંડીની ઋતુમાં જઇ શકો છો, પરંતુ તે માટેની તમારે પૂરતી તૈયારી રાખવી હિતાવહ છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે મુક્તેશ્વરની યાત્રા સડકમાર્ગ દ્વારા કરવા માંગતા હોવ તો તમે દિલ્હીથી મુક્તેશ્વર મંદિર જઈ શકો છો. સડકમાર્ગે જવા તમે દિલ્હીથી ખાનગી ટેક્સી કે કેબ અથવા મિની બસ કરી શકો છો. જો તમે ટ્રેન મારફતે અહીં આવવા માગતા હોવ તો દિલ્હીથી મુક્તેશ્વર આવવા માટેની ટ્રેન સુવિધા પણ ઉપલબ્ધ છે. ટ્રેનથી તમે કાઠગોદામ આવી શકો છો જે અંદાજે 72 કિમી. દૂર છે ત્યાંથી તમે મુક્તેશ્વર માટે પ્રાઇવેટ ગાડી કરી શકો છો. જો તમે વિમાનમાર્ગે આવવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ દિલ્હી એરપોર્ટ છે, ત્યાંથી તમે ટેક્સી કે કેબ કરી શકો છો.