ક્રિકેટ મેચ દરમિયાન બાઉન્ડ્રી પર ખેલાડીઓ ઘણાં શાનદાર કેચ પકડતાં જોવા મળ્યા છે. ક્રિકેટ ફેન્સને આજે પણ સૂર્યકુમારનો તે કેચ યાદ હશે, જે તેને T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચમાં બાઉન્ડ્રી લાઈન પર પકડ્યો હતો.
આ કેચે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. હવે આવા કેચને લઈને MCCએ એક મોટો ફેરફાર કર્યો છે. આ સિવાય રિલે કેચમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.
માઈકલ નેસરના કેચ પર થયો હતો વિવાદ
અત્યાર સુધી એક ફિલ્ડર બાઉન્ડ્રીથી બહાર બોલને હવામાં ઉછાળીને અંદર પકડી શકતો હતો, જેને માન્ય કેચ ગણીને બેટ્સમેનને આઉટ આપવાનો નિર્ણય કરવામાં આવતો હતો. આવો જ એક કેચ બિગ બેસ લીગ 2023-24માં એક મેચ દરમિયાન જોવા મળ્યો હતો. આ મેચમાં માઈક નેસરને શાનદાર ફિલ્ડીંગ કરતાં બાઉન્ડ્રીની બહાર જઈને હવામાં 2 વાર બોલ ઉછાળીને કેચ પકડ્યો હતો. જે બાદ બેટ્સમેનને આઉટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આ કેચને લઈને ઘણો વિવાદ થયો હતો.
બાઉન્ડ્રી કેચને લઈને થયો ફેરફાર
MCCના નિયમો મુજબ હવે એક ફિલ્ડર બોલને માત્ર એક વાર પકડી શકે છે જ્યારે તે બાઉન્ડ્રી રોપની બહાર હોય. ત્યાર બાદ, કેચ પૂર્ણ કરવા માટે ફીલ્ડરને બાઉન્ડ્રી લાઈનની અંદર પરત ફરવું પડશે. આ સિવાય MCCએ રિલે કેચના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. ઘણી વાર એવું જોવા મળે છે કે ફીલ્ડર જ્યારે બાઉન્ડ્રીની અંદર પડી રહ્યો છે ત્યારે નજીકના ફીલ્ડરને નીચે પડતાં પહેલા બોલને પાસ કરી દે છે.
નવા નિયમો મુજબ, બોલને લોબ કરનાર ફીલ્ડરને ટીમના સાથી દ્વારા કેચ પકડવા સમયે બાઉન્ડ્રીની અંદર રહેવું પડશે. જો ફીલ્ડર બાઉન્ડ્રી લાઈનની બહાર છે, તો આ બેટિંગ કરતી ટીમને બાઉન્ડ્રી આપવામાં આવશે.