ભારત અને ચીન વચ્ચે બેઇજિંગમાં દ્વિપક્ષીય વાતચીતનો નવો રાઉન્ડ યોજાયો, જેમાં બંને દેશોએ સંબંધોમાં તાજેતરમાં થયેલી સકારાત્મક પ્રગતિની પુષ્ટિ કરી. ભારતે સ્પષ્ટ કર્યું કે તે બંને દેશોના નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ ચીન સાથે નજીકથી કામ કરવા તૈયાર છે અને સંસ્થાકીય સંવાદને ફરી શરૂ કરવાની સાથે આદાનપ્રદાન અને સહયોગને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ઓગસ્ટમાં થઇ હતી મુલાકાત
આ વાટાઘાટો ઓગસ્ટમાં તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત પછી યોજાઈ હતી. બેઠકમાં બંને દેશોના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. ભારતીય વિદેશ મંત્રાલયના પૂર્વ એશિયા વિભાગના સંયુક્ત સચિવ સુજીત ઘોષ અને ચીનના વિદેશ મંત્રાલયના એશિયન બાબતોના વિભાગના ડિરેક્ટર જનરલ લિયુ જિનસોંગ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
ચીન-ભારત સંબંધોને સ્થિરતા
બંને પક્ષોએ નેતાઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સંમતિને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ચીન-ભારત સંબંધોને સ્થિરતા અને ગતિ આપવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની સહમતિ દર્શાવી છે. ચર્ચા દરમિયાન પરસ્પર વિશ્વાસ વધારવા, સહયોગના ક્ષેત્રોને વિસ્તૃત કરવા અને સંવાદની પ્રક્રિયાને સતત આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ઉપવિદેશ મંત્રીએ પણ લીધી હતી મુલાકાત
વાટાઘાટો બાદ સુજીત ઘોષે ચીનના ઉપવિદેશ મંત્રી સન વેઈડોંગ સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન સને જણાવ્યું કે તિયાનજિનમાં PM મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી સફળ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને નવા સ્તરે લઈ જવા માટે સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો નેતાઓ વચ્ચે થયેલી સંમતિને અસરકારક રીતે અમલમાં મૂકે, વ્યાપક અભિગમ અપનાવે, પરસ્પર વિશ્વાસ મજબૂત કરે અને સતત સહયોગ દ્વારા ભારત-ચીન સંબંધોના દીર્ઘકાલીન વિકાસને પ્રોત્સાહન આપે.
આ પણ વાંચો : Lionel Messi : શાનદાર પર્ફોમન્સ અને અણનમ રેકોર્ડ સાથે ફૂટબોલનો ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ!


