મુંબઈ અને નવી મુંબઈને દરિયાના માર્ગે પૂલથી જોડનારો અટલ સેતુ વાહન વ્યવહારની સાથે વિકાસની બે બાબતોે પણ જોડશે કે સમગ્ર રીતે પ્રજાની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પ્રાયોરિટી આપવી જરૂરી છે
અટલ સેતુ એવું નામ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક તરીકે તૈયાર થયેલા દરિયાઈ બ્રીજને આપવામાં આવ્યું છે. મુંબઈના શીવડીથી વચ્ચેની ખાડી પસાર કરીને સામે પાર ન્હાવા શેવા પહોંચવા માટે આ સીધો સેતુ છે. સામે પાર નવું મુંબઈ વિકસી રહ્યું છે, પણ ત્યાં પહોંચવું હોય તો જમીન માર્ગે એક મોટું ચક્કર મારવું પડે અને થાણે, કલ્યાણ થઈને પછી ત્યાં પહોંચી શકાય. તેના બદલે તળ મુંબઈ સાથે સીધો સંપર્ક થઈ શકે તે માટેનો આ બ્રીજ મહત્ત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે બન્યો છે.
મુંબઈથી નવી મુંબઈને જોડતો ખાડી પરનો આ પૂલ 21.8 કિમી લાંબો છે – ભારતમાં દરિયા પર બનેલો સૌથી લાંબો બ્રીજ. દુનિયામાં તે પાંચમાં નંબરનો સૌથી મોટો બ્રીજ બનશે. 16.5 કિમી બ્રીજ દરિયાના પાણી ઉપર છે, જ્યારે બંને છેડે સાડા પાંચ કિમી જેટલો બ્રીજ જમીનની ઉપર પણ બનેલો છે. શીવડીથી શરૂ થઈને નવી મુંબઈમાં ચીરલેને જોડશે. 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીના જન્મદિને તેનું ઉદ્ઘાટન કરવાનું હતું, પણ તેમાં વિલંબ થયો હતો. લાઈટિંગનું કામ વગેરે બાકી હતા.
બ્રીજ પર લાઈટિંગ એવી રીતે કરવામાં આવી છે કે રાત્રે તેના કારણે દરિયાઈ ખાડીમાં રહેતા દરિયાઇ જીવોને બહુ ડિસ્ટર્બ ના કરે.દિવસ દરમિયાન નહીં, પણ આખી રાત બ્રીજ વાહનોથી ધમધમતો રહેવાનો છે અને રોશનીથી ઝગમગતો રહેશે. રોજના 70,000થી વધુ વાહનો પસાર થવાના છે, ત્યારે તેનો અવાજ અને પ્રકાશ બંને નિયંત્રિત રહે તે માટેની કોશિશ થઈ રહી છે, જેથી બ્રીજની નીચે માછલીઓ સુખે જીવે.
મુંબઈ, થાણે, કલ્યાણ, નવી મુંબઈના દરિયા કાંઠે માછીમારો પણ વસે છે અને બંદરો અને જેટ્ટીઓ પણ આવેલી છે. એટલે ત્યાં સુધી નાની હોડીથી માંડીને વિશાળ સ્ટીમર સુધી આવનજાવન થતી રહેવાની છે. તેના માટે વચ્ચેના ભાગમાં બ્રીજને ઊંચો અને બે પિલર વચ્ચે ઘણી મોટી જગ્યા રાખવામાં આવી હોય તે રીતે બનાવાયો છે. તે રીતે બ્રીજની ડિઝાઇન પણ કાળજીપૂર્વક તૈયાર થઈ છે.
2017માં આ યોજના નક્કી થઈ ત્યારે તેનો ખર્ચ 18,000 કરોડ રૂપિયા જેટલો અંદાજમાં આવ્યો હતો. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડાં પ્રમાણે 17,843 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીની લોન પણ મળી છે.
નવી મુંબઈ કરતાંય તેનાથી આગળ પૂણે એક્સપ્રેસ વે અને ગોવા એક્સપ્રેસ વે સાથે જોડાવા માટે આ બ્રીજ ઉપયોગી થવાનો છે. નવી મુંબઈમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની રહ્યું છે ત્યારે દક્ષિણ મુંબઈમાં કે જ્યાંથી સૌથી વધુ પ્રવાસીઓ મળવાના છે તેની સાથે સીધી રીતે આ બ્રીજથી આવાગમન થઈ શકશે.
જૂની મુંબઈ એટલે ભારતમાં પ્રથમ વેપારી નગરી. અંગ્રેજોને દાયજામાં આ ટાપુઓ મળ્યા ત્યારે ગુજરાતમાંથી વેપારીઓને ત્યાં લઈ જઈને વસાવાયા હતા. ભારતભરમાંથી લોકોનો પ્રવાહ ત્યાં ચાલ્યો અને એક કોમર્સ સિટી તરીકે મુંબઈ વિકસ્યું. મુંબઈનું બારું આયાત નિકાસ માટે જરૂરી પોર્ટ તરીકે, કુદરતી રીતે બહુ ઉપયોગી હતું.
જોકે મુંબઈ વિકસતું ગયું તેની સાથે સમસ્યાઓ વધતી ગઈ હતી. ભારતની સૌથી મોટી ધારાવી ઝૂંપડપટ્ટી, સૌથી વધુ સાંકડા રસ્તા અને ઝુગ્ગીઓ, સૌથી ગીચ વસતિ, સૌથી વધુ ભીડ સાથેની લોકલ ટ્રેનો, સૌથી વધુ મોટું અંડરવર્ડ, સૌથી વધુ સમય ઘરેથી કામના સ્થળે અને કામના સ્થળેથી ઘરે પહોંચતા લાગે તેવું દોડધામવાળું માયાવી નગર ઊભું થયું હતું.
વેપાર ઉદ્યોગ વિકસતા રહ્યા હતા એટલે લોકો કઠણાઈ ભોગવીને પણ અહીં પડ્યા રહેતા હતા. રોટલો મળે, પણ ઓટલો ના મળે એવી ગુજરાતી કહેવત મુંબઈમાં જન્મી હતી, કેમ કે અહીં દોરી લોટો લઈને આવનારા સમૃદ્ધ થતા રહ્યા, પણ જીવનશૈલી અને જીવનધોરણ મોકળાશના બદલે મોકાણ જેવા થતા રહ્યા હતા. એટલે જ વિકસતા શહેર સાથે નાગરિક સુવિધાઓ પાછળ સૌથી વધુ ખર્ચ થવો જોઈએ તેનું આ ઉદાહરણ છે અને શહેરો હવે વધારે ફૂલીની ફાટે નહીં તે માટે ગ્રામીણ વિસ્તારોમાં પણ સુવિધા વધે તે માટેના પ્રયાસો કરવાના હજી બાકી છે તેનો મેસેજ પણ છે.


