- વૃદ્ધાની એક્લતાનો લાભ લઈ ઘરઘાટીના સ્વાંગમાં ચોરી કરી હતી
- પોલીસે 50થી વધુ CCTV ફૂટેજના આધારે ભેદ ઉકેલ્યો : એક ફરાર
- આરોપીઓ પાસેથી 1.44 લાખના દાગીના, બે મોબાઈલ સહિત રૂ.1,49,500નો મુદ્દામાલ જપ્ત
સેટેલાઈટની આર.એચ.કાપડીયા સ્કુલ પાસે આવેલા સુકૃતી ગાર્ડન એપાર્ટમેન્ટમાં 66 વર્ષીય વૃદ્ધાની એકલતાનો લાભ લઈ રોક્ડ, હીરા અને સોનાના દાગીનાની ચોરી કરનાર ભાઈ-બહેનને સેટેલાઈટ પોલીસે ઝડપી લીધા છે.
વૃદ્ધાના ઘરે ઘરઘાટીનો સ્વાંગ રચી કામ કરવા ઘૂસેલા આરોપીઓએ ચોરીની યોજના પાર પાડી હતી. પોલીસે 50થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓનું પગેરૂ મેળવ્યાનો ઘટસ્ફોટ થયો છે. આ ગુનામાં બંને આરોપીઓને ભાગવામાં મદદ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
રાજસ્થાનથી સેટેલાઈટમાં પાંચ મહિના પહેલા ભાડે રહેવા આવેલા સૃષ્માબહેન સુશિલભાઈ મોહતા (ઉં,66)ના પતિનું બાર વર્ષ અગાઉ અવસાન થાય બાદ તેઓ એકલવાયું જીવન જીવે છે. સુષ્માબહેનનો પુત્ર કેનેડા અને પુત્રી કોલકતા ખાતે સાસરીમાં રહે છે. ગત તા. 21મી રોજ આરોપી સુષ્માબહેનના ત્યાં ઘરઘાટી બની કામ કરવા માટે તેની બહેન સાથે આવ્યા હતા. સુષ્માબહેનને આરોપીઓએ પોતાના નામ રાકેશ અને કમળા હોવાનું જણાવ્યું હતું. બંને આરોપી કામ કરીને ગયા બાદ સુષ્માબહેનને ઘરમાંથી 3 હજારની રોક્ડ મળી આવી ન હતી. આથી, વધુ તપાસ કરતા હિરા અને સોનાના દાગીના પણ ગાયબ હતા. બનાવને પગલે તેઓએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં રૂ.3.83 લાખની મત્તાની ચોરી થયાની ફરિયાદ આપી હતી.
સેટેલાઈટ પોલીસે આરોપીઓને પકડવા માટે 50થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાઈક પર બંને આરોપી રાજસ્થાન તરફ જતા જોવા મળ્યા હતા. રાજસ્થાન પોલીસની ટીમ પહોંચી પણ બંને આરોપીઓનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન પોલીસને ટેકનિકલ સર્વલન્સ આધારે ખબર પડી કે, રાકેશ અને કમળા અમદાવાદમાં આવ્યા છે. જેના આધારે બંનેને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા બંને આરોપીઓમાં રાકેશનું સાચું નામ દિનેશ રામા ડામોર (ઉં,22) અને તેની બહેન કમળાનું સાચુ નામ નર્મદા ભુરાલાલ ડામોર (ઉં,28) હોવાની વિગતો ખુલી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 1.44 લાખના દાગીના, બે મોબાઈલ સહિત રૂ.1,49,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો માટે બંને આરોપી ભાઈ-બહેન પૈસાની લાલચમાં ઘર નોકર તરીકે ઓળખ આપી કામ કરવાના બહાને ચોરી કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ચોરીઓ કરી છે કે નહી તે મામલે તપાસ હાથ ધરાઈ છે. દિનેશ ઉર્ફ રાકેશ અને કમળા ઉર્ફ નર્મદાને ચોરી કર્યા બાદ ભગાડવામાં મદદ કરનાર પ્રવિણ નામના આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


