- તબીબોની બેદરકારી સામે આવતાં મહિલા હતપ્રભ
- ખોટા પેથોલોજી રિપોર્ટે મહિલાને કીમોેથેરપી માટે મજબૂર કરી
- મહિલાને આશંકા હતી કે કિડનીમાં પથરીને કારણે પેટમાં દુઃખી રહ્યું છે
અમેરિકાના ટેક્સાસ ખાતે મૂંઝવણમાં મૂકતો કેસ સામે આવ્યો છે. અહીં એક મહિલાના પેથોલોજી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તે મહિલા કેન્સર પીડિત છે. તે રિપોર્ટને આધારે મહિલાએ કીમોથેરપી શરૂ કરી દીધી, પરંતુ હવે મહિલાને જાણ થઇ છે કે તેને કેન્સર હતું જ નહીં .મહિલા તબીબો દ્વારા તેની સાથે જે કાંઇ થયું તેથી હતપ્રભ છે. આ કિસ્સામાં તબીબોની બેદરકારી સામે આવી છે.
મીડિયા અહેવાલ મુજબ તે મહિલા વર્ષ 2022માં પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચી હતી. મહિલાને આશંકા હતી કે કિડનીમાં પથરીને કારણે પેટમાં દુઃખી રહ્યું છે. તપાસ દરમિયાન કિડનીમાં પથરી હોવાની જાણકારીની સાથોસાથ સ્પલીન પર સોજો હોવાનું પણ સામે આવ્યું હતું. તે પછી ગયા વર્ષે સ્પલીનની સર્જરી કરવામાં આવી. સર્જરી કરીને વધેલા ભાગોને દૂર કરવામાં આવ્યા હતા. સર્જરી કરીને જે વધારા ભાગને બહાર કાઢવામાં આવ્યો હતો તેના નમૂના તપાસ માટે પેથોલોજી લેબમાં મોકલવામાં આવ્યો. ત્રણ પેથોલોજી લેબથી સાચી હકીકત બહાર ના આવતાં નમૂના ચોથી લેબમાં મોકલવામાં આવ્યા. ચોથી લેબમાં કેન્સર હોવાની વાતને સમર્થન મળ્યું હતું.
તબીબોએ બેદરકારીની હદ પાર કરી । પેથોલોજી રિપોર્ટ આધારે હોસ્પિટલમાં મહિલાની કીમોથેરપી શરૂ થઇ ગઇ. પ્રથમ કીમોથેરપી પછી મહિલાના તમામ વાળ ઊડી ગયા. બીજી કીમોથેરપી પછી મહિલાની ત્વચા ખરાબ થઇ ગઇ. એપ્રિલમાં મહિલા રૂટિન તપાસ માટે હોસ્પિટલ પહોંચી તો મહિલાને કહેવામાં આવ્યું કે તેને તો કેન્સર છે જ નહીં. આ જાણીને મહિલા હતપ્રભ થઇ ગઇ હતી. મહિલાએ કહ્યું કે તબીબોએ ઘોર બેદરકકારી દાખવી છે. તેને કેન્સર છે જ નહીં તે અહેવાલ બીજી કીમોથેરપી થાય તે પહેલાં જ હોસ્પિટલ પહોંચી ગયો હતો, પરંતુ તબીબોએ તે અહેવાલ જોયો જ નહીં અને તબીબોએ તેને બીજીવાર કીમોથેરપી આપી દીધી.


