અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત ચેમ્પિયન બની છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ 9 વિકેટથી જીતી મેળવી લીધી છે. ગોંગડી ત્રિશાએ ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા માટે એક મોટી જાહેરાત કરી છે. BCCIએ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાને કરોડો રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે.
BCCI 5 કરોડ રૂપિયા આપશે
તમને જણાવી દઈએ કે અંડર-19 ટી20 મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જેના કારણે ટીમ ઈન્ડિયા સતત બીજી વખત ચેમ્પિયન બની છે. હવે BCCIએ જાહેરાત કરતા કહ્યું કે, “આ નોંધપાત્ર સિદ્ધિને માન આપવા માટે BCCIએ મુખ્ય કોચ નુશીન અલ ખાદીરના નેતૃત્વ હેઠળની વિજેતા ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે 5 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. BCCI પ્રમુખ રોજર બિન્નીએ ટીમને અભિનંદન આપતા લખ્યું, “અંડર-19 મહિલા વર્લ્ડ કપ જીતવા બદલ અમારી છોકરીઓને અભિનંદન. આ એક અનુકરણીય ઝુંબેશ રહી છે, જેમાં તેણી સમગ્ર સમય દરમિયાન અણનમ રહી. ગઈકાલે રાત્રે નમન એવોર્ડ્સમાં અમે તેમના પ્રદર્શન વિશે વાત કરી હતી અને આજે તેમણે અમને બધાને ગર્વ અપાવ્યો છે. આ ટ્રોફી ભારતમાં મહિલા ક્રિકેટના વિકાસને પ્રતિબિંબિત કરે છે.
ગોંગડી ત્રિશાએ કર્યો કમાલ
આ આખી ટુર્નામેન્ટમાં ગોંગડી ત્રિશાનું પ્રદર્શન અદ્ભુત રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં તેને સદી પણ ફટકારી હતી. આ વખતે ત્રિશા અંડર-19 ટી20 મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતી. તેને 309 રન ફટકાર્યા છે. આ ઉપરાંત ત્રિશાએ બોલિંગ કરતી વખતે 7 વિકેટ પણ લીધી હતી. જેમાંથી તેણે અંતિમ મેચમાં 3 વિકેટ લીધી હતી. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ તેમજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ મહિલા ટીમને આપ્યા અભિનંદન
પીએમ મોદીએ ભારતીય મહિલા ટીમની જીત પર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં ભારતીય મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે – અમને આપણી મહિલા શક્તિ પર ખૂબ ગર્વ છે. ભારતીય ટીમને અંડર-19 ટી20 વર્લ્ડ કપ 2025 જીતવા બદલ અભિનંદન. આ જીત અમારા ઉત્તમ ટીમવર્ક તેમજ દૃઢ નિશ્ચય અને ધીરજનું પરિણામ છે. આ વિજય આવનારા દિવસોમાં ઘણા ખેલાડીઓને પ્રેરણા આપશે. ભારતીય ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભકામનાઓ.


