- લાલપુર રોડ પર હાપા લાખાસર પાટિયા પાસે અકસ્માત
- દ્વારકાના ખંભાળિયા – લાલપુર રોડ પર કાર પલટી
- અકસ્માતને લઈને ખંભાળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી
દ્વારકા હાઇવે જાણે કે અકસ્માતોનું હોટ સ્પોટ બની ગયું હોય તેમ અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકો જીવ ગુમાવતાં હોય છે તો કેટલાંક ઇજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે આજે સર્જાયેલ વધુ એક અકસ્માતમાં 2 યુવાનોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, દ્વારકાના હાપા લાખાસરનાં પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારનું અચાનક ટાયર ફાટતાં કાર પલટી ગઈ હતી. કાર પલટી જવાને કારણે સર્જાયેલા અકસ્માતમાં 2 યુવાનના કમકમટીભર્યા મોત થયા હતા. ખંભાળિયા – લાલપુર રોડ પર હાપા લાખાસરનાં પાટિયા પાસે કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો. કારમાં સવાર ખંભાળિયાનાં ગાયત્રીનગરમાં રહેતા શ્યામ નારણભાઈ ધારાણી નામના ગઢવી તેમજ કૈલાશ કોળી નામના યુવકનું મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને ઇજાગ્રસ્ત યુવકોને ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબ દ્વારા બન્ને યુવકને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.


