જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિશિષ્ટ આયોજન
શિવરાત્રીના મેળામાં ભાવિકોને મળશે શુધ્ધ પીવાનું પાણી
૧૪૦ સ્થળોએ RO પ્લાન્ટની વ્યવસ્થા, આ વર્ષે આશ્રમોમાં પણ ફીલ્ટર પાણી પહોંચાડાશે: ૧૦૦ જગ્યાએ પ૦૦૦ લીટર, ૧પ પેગોડામાં ર૦૦૦ લીટર, ૧પ પોઇન્ટમાં જગ અને પાર્કિંગ વિસ્તારમાં ૧૦ વધારાની ટાંકીઓ મૂકાઇ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજાનારા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવા થનગની રહ્યા છે. મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં આ વર્ષે ભાવિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા બમણી કરવામાં આવી છે, ભાવિકો માટે 140 સ્થળોએ શુદ્ધ RO પ્લાન્ટના પીવાના પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સાથે જ પ્રથમ વખત આશ્રમોમાં પણ ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે.
જૂનાગઢના ભવનાથના મેળામાં વહિવટી તંત્ર દ્વારા લાખો ભાવિકો માટે પીવાના પાણીની પાયાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રિ મેળામાં ભાવિક ભકતો દૂર દૂરના સ્થળેથી આસ્થા સાથે ભવેશ્વર ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ભકતજનો, સાધુ, સંતોને પીવાના શુદ્ધ પાણીની સગવડતા મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાશિવરાત્રિ મેળા-2026 અંતર્ગત શ્રદ્ધાળુઓને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે કુલ 140 જેટલા સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 100 સ્થળોએ 5000 લિટર ક્ષમતાની ટાંકીઓ, 15 પેગોડા (પેગોડા આકારની રાવટીઓ)ખાતે 2000 લિટર ક્ષમતાની ટાંકીઓ, 15 સ્થળોએ પીવાના પાણીના જગ માટે ટેબલ તેમજ પાર્કિંગ વિસ્તારમાં 10 વધારાની ટાંકીઓ મૂકવામાં આવી છે.
આ કામગીરી સુયોજિત રીતે કરવા માટે 100થી વધુ સુપરવાઇઝર, લાઈનમેન, ઓપરેટર અને મજૂરોનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. ઉપરાંત, ભવનાથ પોલીસ ચોંકી ખાતેના મુખ્ય કંટ્રોલરૂમ સિવાય વોટર વર્ક્સશાખાનો વધારાનો કંટ્રોલ રૂમ મંગલધામ સામે આવેલી ઝોનલ ઓફિસ નજીકના કૂવા પાસે સ્થાપવામાં આવ્યો છે. જે 24×7 કાર્યરત રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભવનાથ વિસ્તારમાં સરફેસ વોટર પૂરું પાડવા માટે 5 લાખ લિટર તથા 5.75 લાખ લિટર ક્ષમતાની બે નવીઊંચી ટાંકીઓ તેમજ 43 લાખ લિટર ક્ષમતાનો સંપ સ્વર્ણિમજયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ હેઠળ નિર્માણ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાના માધ્યમથી ભવનાથ વિસ્તારમાં પ્રથમ વખત ડેમ આધારિત ભૂમિગતસ્ત્રોતને બદલે ફિલ્ટર પ્લાન્ટનું શુદ્ધ પાણી આશ્રમોને પૂરું પાડવામાં આવશે.
શ્રધ્ધાળુઓ માટે વિશ્રામની સુવિધા
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કુલ 60 જેટલી પાણીની ટાંકીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધવાની શક્યતા ધ્યાને રાખીને સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે આ વર્ષે વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પેગોડાના 15 સ્થળોએ તેમજ પાણીના જગના પોઈન્ટ પર 1 હજાર લિટર ક્ષમતાના હંગામી આર.ઓ. પ્લાન્ટ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. ઉપરાંત, પેગોડા – રાવટીઓમાં શ્રદ્ધાળુઓ માટે વિશ્રામની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
ટોઇલેટ બ્લોક ઉભા કરાયા
મહાશિવરાત્રીના મેળા દરમિયાન વિવિધ સ્થળોએ ટોઇલેટ બ્લોક ઊભા કરવામાં આવ્યા છે, જેમાં પાણીની વ્યવસ્થા ટેન્કર દ્વારા કરવામાં આવશે. સમગ્ર મેળા વિસ્તારમાં પીવાના પાણીની ટાંકીઓના રીફિલિંગ માટે કુલ 14 જેટલા ટેન્કર તથા ૪ રીફિલિંગ પોઈન્ટ કાર્યરત રાખવામાં આવનાર છે. મેળા દરમિયાન કોર્પોરેશન હસ્તકના 5 કૂવા તથા 13 ખાનગી કૂવાનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં જરૂરી પ્રમાણમાં ક્લોરિનેશન કરવામાં આવ્યું છે. મૃગી કુંડ તથા દામોદર કુંડ ખાતે આવેલ પાણી ખાલી કરીને નવીન પાણી ભરવામાં આવ્યું છે અને તેમાં ક્લોરિન ડાયોક્સાઇડ દ્વારા ક્લોરિનેશન કરવામાં આવશે, જેથી જળચર જીવોને કોઈ નુકસાન ન થાય.
પાણી પુરવઠાની તંગી નહી રહે
ઉતારાઓ માટે અલગથી 200થી વધારે પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. વધુમાં ટાંકી અને ટેન્કર દ્વારા પાણી સતત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. શિવરાત્રિમેળા દરમ્યાન ભવનાથ વિસ્તારમાં આવેલ બોર તથા કૂવાઓની મુખ્ય પાઈપલાઈન લીકેજ, ભંગાણ અથવા સરકારી બોર-કૂવાઓમાં મોટર, સ્ટાર્ટર વગેરેમાં કોઈપણ પ્રકારની યાંત્રિક ખામી સર્જાય તો પાણી પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે તાત્કાલિક રીપેરીંગની વ્યવસ્થાનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે.


