જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
ગોંડલ, જેતપુર, કોટડાસાંગાણી, ધોરાજી તાલુકામાં પૂરવઠા તંત્ર ત્રાટકયું : ૧૮ એજન્સી, હોટેલો, ઘરમાંથી ૧૦૦થી વધારે બાટલાઓ જપ્ત કરાયા : તંત્રની કાર્યવાહીથી ફફડાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ગેસના બાટલાની અછત સર્જાઈ છે, ત્યારે રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 18 ગેસ એજન્સીઓ પર મહેસુલી કર્મચારી અને પોલીસમાં પહેરો રાખવાનું શરૂ કરાયું છે. દરમિયાન જિલ્લામાં 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડલ શહેરમાં એક ઘરમાંથી 38 ઘરેલું ગેસના ખાલી સિલિન્ડર મળી આવતા તે પણ કબ્જે કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. ઝાપડાએ જણાવ્યુ હતુ કે, જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લાના તમામ મામલતદાર દ્વારા જુદી જુદી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલ વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ, ફરસાણ સ્ટોર, નાસ્તા હાઉસ તથા ફાસ્ટ ફૂડ સ્ટોર ખાતે ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે કુલ 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બિલિયાળા ગામેથી મામલતદાર ગોંડલ (ગ્રામ્ય) દ્વારા 15 ભરેલા તથા 10 ખાલી એમ કુલ 25 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.45,410) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત જુદી જુદી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વધુ 5 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.11,038) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગોંડલ શહેર વિસ્તારમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે ઘરમાં સંગ્રહ કરેલા રિલાયન્સ કંપનીના 38 ખાલી ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા. જેની કિંમત રૂ.63,400 થાય છે. આ સાથે જ તમામ હોટલ તથા ફાસ્ટ ફૂડ સ્ટોરના માલિકોને ઘરેલુ સિલિન્ડરના ગેરવપરાશ અંગે સમજણ આપવામાં આવી હતી.
દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ 18 ગેસ એજન્સીઓની તપાસણી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ અને ગોડાઉનમાં નાયબ મામલતદાર (પુરવઠા) ની દેખરેખ હેઠળ દરેક એજન્સી તથા ગોડાઉન દીઠ 1 મહેસુલી કર્મચારી સાથે 1 પોલીસ જવાનને મુકવામાં આવ્યા છે.
રાજકોટના લોધીકા તાલુકાના મેટોડા GIDC વિસ્તારમાં આવેલ પરિશ્રમ રેસ્ટોરન્ટની તપાસણી દરમ્યાન લોધિકા મામલતદાર દ્વારા ગૃહ વપરાશના 10 ગેસ સિલિન્ડર ગેરરીતે વપરાશમાં હોવાનું જણાઈ આવતા તે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. જેની કુલ કિંમત રૂ.24,574 થાય છે.
આ ઉપરાંત, કોટડા સાંગાણી મામલતદાર દ્વારા કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે જયદીપભાઈ વિનોદભાઈ આંબલીયા પાસેથી 1 ભરેલો ઘરેલુ ગેસ સિલિન્ડર અનધિકૃત રીતે મળી આવતા તે સિઝ કરી એન્જલ ગેસ એજન્સીને સોંપવામાં આવ્યો છે, જેની કુલ કિંમત રૂ.3058 થાય છે.
આ ઉપરાંત કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે મહાવીર પાવભાજી નજીક આવેલ એક ઘરમાંથી ગેરરીતે સંગ્રહ કરેલા 31 ખાલી ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવતા તે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. જેની કુલ કિંમત રૂ.59,658 થાય છે.


