બે માસૂમ સહિત ચાર સંતાનો નોંધારા બન્યા
રાજકોટ-જસદણ પંથકમાં બે અલગ-અલગ અકસ્માતે ચાર જિંદગી છીનવી
વડવાજડી પાસે ટ્રકે એક્ટિવા પર સવાર પરિવારને અડફેટે લેતાં ગર્ભવતી મહિલા સહિત દંપતીનાં મોત, પાંચ વર્ષની પુત્રી ઘાયલ : જસદણ પાસે બોલેરોની ટક્કરે ચોટીલા દર્શન કરી પરત ફરતા દંપતીનો ભોગ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ અને આસપાસના પંથકમાં માર્ગ અકસ્માતની બે હૃદયદ્રાવક ઘટનાઓએ બે પરિવારોને કાયમ માટે શોકમાં ગરકાવ કરી દીધા છે. રાજકોટ-કાલાવડ રોડ પર વડવાજડી ગામ પાસે ટ્રકે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતાં પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે તેમની પાંચ વર્ષની માસૂમ પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ દંપતીમાંથી મહિલા ચાર માસની ગર્ભવતી હોવાની વિગતો પણ સામે આવી છે. બીજી તરફ જસદણ-ચોટીલા રોડ પર પોલારપર ગામના પાટિયા પાસે બોલેરો પીકઅપ વાહને બાઇકને ટક્કર મારતાં મહુવાના ડુંડાસ ગામના દંપતીનાં મોત થયાં હતાં. ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા દંપતીનો રસ્તામાં જ કાળે ભેટો લીધો હતો. એક જ દિવસમાં બનેલી આ બંને દુર્ઘટનાઓમાં ચાર વ્યક્તિઓનાં મોતથી પરિવારોમાં કલ્પાંત છવાયો છે અને ચાર સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
પ્રથમ કરુણ ઘટના રાજકોટ-કાલાવડ રોડ પર વડવાજડી ગામ પાસે બની હતી. મૂળ ઘેડ પંથકના કડછ ગામના વતની અને હાલ ખીરસરા રણમલજીના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા મિતેષભાઈ ગોવિંદભાઈ વાઘેલા (ઉ.વ. 33) પરિવાર સાથે રાજકોટ તરફ જઈ રહ્યા હતા. ફેક્ટરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મિતેષભાઈ તેમની પત્ની કવિતાબેન (ઉ.વ. 25) અને પાંચ વર્ષની પુત્રી જીનલ સાથે એક્ટિવા સ્કૂટર નંબર GJ-25-AF-6235 પર સવાર હતા. વડવાજડી ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતા ટ્રક નંબર GJ-03-BY-4866 સાથે તેમનું સ્કૂટર અથડાયું હતું. ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે સ્કૂટર પર સવાર ત્રણેયને ગંભીર અસર પહોંચી હતી. અકસ્માતમાં મિતેષભાઈ અને કવિતાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાંચ વર્ષની જીનલને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અકાળે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર જીનલની સ્થિતિએ ઘટનાને વધુ કરુણ બનાવી દીધી છે. આ અકસ્માતમાં કવિતાબેન ચાર માસની ગર્ભવતી હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે. આમ, એક જ અકસ્માતે પરિવારની અનેક ખુશીઓ છીનવી લેતાં સ્વજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મેટોડા જીઆઇડીસી પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી હૃદયદ્રાવક ઘટના જસદણ-ચોટીલા રોડ પર પોલારપર ગામના પાટિયા પાસે બની હતી. મહુવા તાલુકાના ડુંડાસ ગામના વતની લાલજીભાઈ બચુભાઈ વસિયા (ઉ.વ. 35) અને તેમનાં પત્ની મુક્તાબેન (ઉ.વ. 35) ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શન કરવા ગયા હતા. તેમની સાથે કુટુંબી સાઢુભાઈ ભાવેશભાઈ નાથાભાઈ બારૈયા અને તેમનાં પત્ની વર્ષાબેન પણ હતાં. ચારેય વ્યક્તિઓ બે અલગ-અલગ બાઇક પર સવાર થઈ દર્શન કરવા નીકળ્યાં હતાં. દર્શન અને માનતા પૂર્ણ કર્યા બાદ બંને દંપતી પોતપોતાની બાઇક પર ડુંડાસ ગામે પરત ફરી રહ્યાં હતાં. દરમિયાન પોલારપર ગામના પાટિયા પાસે બોલેરો પીકઅપ વાહન નંબર GJ-38-T-2903ના ચાલકે લાલજીભાઈની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્મતની જાણ થતાં પાછળ આવી રહેલા ભાવેશભાઈ અને તેમનાં પત્ની ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ગંભીર રીતે ઘવાયેલા લાલજીભાઈ અને મુક્તાબેનને 108 મારફતે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ભાવેશભાઈએ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બોલેરો પીકઅપના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાલજીભાઈ હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દંપતીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. માતા-પિતા બંનેનું એકસાથે અકસ્માતમાં મોત થતાં ત્રણેય સંતાનોએ માથે રહેલી માતા-પિતાની હૂંફ ગુમાવી છે. દર્શન કરીને હસતા-ખેલતા ઘરે પરત ફરવાની આશા સાથે નીકળેલા પરિવાર પર રસ્તામાં જ દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
આમ, એક તરફ રાજકોટની ભાગોળે ટ્રકની ટક્કરે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો, તો બીજી તરફ જસદણ પંથકમાં બોલેરોની ટક્કરે દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીનો ભોગ લીધો. બંને અકસ્માતોમાં ચાર જિંદગીઓનો અંત આવ્યો અને માસૂમ સંતાનોના જીવનમાંથી માતા-પિતાની હૂંફ છીનવાઈ ગઈ. માર્ગ પરની આ બે દુર્ઘટનાઓએ ફરી એકવાર વાહનચાલકોની સાવચેતી અને માર્ગ સલામતીના પ્રશ્નને ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યા છે.


