- ઈરાન દ્વારા ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલ એટેક
- મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાની અમેરિકાને ધમકી
- અમે ચૂપ નહિ બેસીએ, ઈરાનને ખુલ્લુ સમર્થન આપીશું: રશિયા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે. શનિવાર અને રવિવારે ઇરાને ઇઝરાયલ પર સતત ડ્રોન અને મિસાઇલ એટેક કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવમાં અમેરિકા અને રશિયા પણ કૂદી પડ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને ખુલ્લી ઉઘાડી ધમકી આપતા કહી દીધું છે કે જો આ તણાવ વચ્ચે અમેરિકા ઈઝરાયલને સમર્થન આપશે તો રશિયા ચૂપ નહીં બેસી રહે અને ઈરાનનું ખુલ્લેઆમ સમર્થન કરશે.
આ પહેલા રશિયાએ ઈરાન અને ઈઝરાયેલ બંનેને સંયમ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે પણ ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર અબ્દુલ્લાહિયન સાથે ટેલિફોન પર વાત કરી હતી.
અમેરિકાએ શું કહ્યું હતું?
ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કર્યાના એક દિવસ બાદ રવિવારે એક મીડિયા ઇવેન્ટમાં યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ કોઓર્ડિનેટર જોન કિર્બીએ અમેરિકાના સ્ટેન્ડને લઈને મોટું નિવેદન આપ્યું હતું. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડેને ઘણી વાર કહ્યું છે કે, અમે વિસ્તારમાં યુદ્ધ નથી ઈચ્છતા. અમે ઈરાન સાથે યુદ્ધમાં ફસાવા નથી માંગતા.
ઈરાને કર્યો બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોનથી હુમલો
ઈરાને શનિવારે રાત્રે અને રવિવારની વહેલી સવારે બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ સમગ્ર ઈઝરાયેલમાં હવાઈ હુમલાની ચેતવણી જાહેર કરી દેવામાં આવી હતી. આ હુમલાઓ મુખ્યત્વે જેરુસલેમ, નેગેવ રણ અને દક્ષિણમાં ડેડ સી, ઉત્તરમાં ઇઝરાયેલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ તેમજ કબજે કરેલ વેસ્ટ બેંક પર કરવામાં આવ્યા હતા.


