જૂનાગઢ મેડિકલ કોલેજના મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી કરુણ મોત
સવારે રિપોર્ટ નોર્મલ, રાત્રે લથડી તબિયત : પ્લેટલેટ્સ ઝડપથી ઘટતા અને ખેંચ આવતા રાજકોટ લઈ જવાયા હતા, પરંતુ જેતપુર નજીક સ્થિતિ બગડતા જૂનાગઢ સિવિલમાં લીધો અંતિમ શ્વાસ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુના કારણે કરુણ મોત નીપજતાં તબીબી આલમમાં ભારે શોક છવાઈ ગયો છે. તેઓ તેમના ઓર્થોપેડિક સર્જન પતિ અને ૩ વર્ષની માસૂમ બાળકી સાથે જૂનાગઢમાં રહેતા હતા. તબીબી વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે ડેન્ગ્યુના તબક્કામાં ઓછામાં ઓછા ૭ દિવસના આરામ અને ઓબ્ઝર્વેશનની જરૂર હોવા છતાં માત્ર ૨ દિવસની રજા મળ્યા બાદ ફરજ પર જોડાવું જીવલેણ સાબિત થયું.
મળતી માહિતી મુજબ, ડો. સોનાલી ઓડેદરાને શનિવારે ડેન્ગ્યુ થયો હતો, જેથી તેમણે ડિપાર્ટમેન્ટના હેડ પાસે રજા માંગી હતી. તેમને સોમવાર અને મંગળવાર એમ માત્ર બે દિવસની રજા મંજૂર કરવામાં આવી હતી. બે દિવસના આરામ બાદ બુધવારે સવારે સિવિલ હોસ્પિટલમાં કરાવેલા રિપોર્ટમાં પ્લેટલેટ કાઉન્ટ નોર્મલ આવતા તેમને થોડો હાશકારો થયો હતો અને તેઓ બુધવારે આખો દિવસ ફરજ પર હાજર રહ્યા હતા. જોકે, બુધવારે રાત્રે ૮:૦૦ વાગ્યા બાદ તેમની તબિયત અચાનક લથડી હતી. તબીબ પતિ દ્વારા તેમને પ્રથમ કલ્પ હોસ્પિટલ અને ત્યારબાદ રાત્રે ૧૧:૦૦ વાગ્યે કે.જે. હોસ્પિટલમાં ખસેડાયા હતા. કે.જે. હોસ્પિટલના ડો. રાહુલ માણેકના જણાવ્યા મુજબ, જ્યારે તેમને લાવવામાં આવ્યા ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર હતી, ખેંચ પણ આવી ગઈ હતી અને પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટી રહ્યા હતા. પરિસ્થિતિ વધુ નાજુક બનતા પરિવારજનોએ વધુ સારવાર અર્થે તેમને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લઈ જવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જેતપુર પહોંચતા પહેલા જ તબિયત વધુ બગડતા તેમને પરત જૂનાગઢ લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.


