જૂનાગઢના કાળવા ચોક નજીક ધમધમતી દેશીદારૂની ભઠ્ઠીઓ પર SMCનો દરોડો
એક સગીર સહિત નવની અટકાયત : આથો, વાહન સહિત ૬ લાખનો મુદામાલ જપ્ત : સ્થાનિક પોલીસમાં ફફડાટ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
SMCએ દરોડા દરમિયાન 9 આરોપીઓને ઝડપ્યા છે જેમાં એક આરોપી સગીર વયનો છે, સ્થાનિક પોલીસ ઊંધતી ઝડપાઈ અને SMCએ દરોડા પાડ્યા હતા, SMCની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ જોવા મળ્યો છે. જૂનાગઢમાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શહેરના મધ્યમાં ધમધમતી દેશી દારૂની મીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
SMCના PSI કે.એચ. ઝનકાત અને તેમની ટીમને બાતમી મળી હતી કે ગોવિંદ ઉર્ફે અબલુ મોરી અને તેના ભાઈઓ કાળવા વોકળામાં ભઠ્ઠી ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રેડ કરતા સ્થળ પરથી દેશી દારૂ ગાળવાની મોટી ભઠ્ઠીઓ મળી આવી હતી. આરોપીઓએ જમીનમાં ખાડા કરી, તેના પર ગેસના ચુલા અને બેરલ ગોઠવી દારૂ ગાળતા હતા. સ્થળ પરથી પોલીસે ૧૭૫૫ લીટર તૈયાર દેશી દારૂ જેની કિંમત રૂ. ૩.૫૧ લાખ અને ૯૮૨૦ લીટર વોશ જેની કિંમત રૂ. ૨.૪૫ લાખ શોધી કાઢ્યો હતો. વોશનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
તપાસમાં ખૂલ્યું છે કે, આ દારૂનો જથ્થો રાજકોટના મેટોડા GIDCમાં રહેતા કુખ્યાત બુટલેગર ગોગન ગઢવીને સપ્લાય કરવામાં આવતો હતો. હાલ પોલીસે ગોગન ગઢવીને વોન્ટેડ જાહેર કર્યો છે. સામાન્ય રીતે દેશી દારૂની હેરાફેરીમાં જુના કે ભંગાર વાહનો વપરાતા હોય છે, પરંતુ જૂનાગઢની આ ગેંગ હાઈ-પ્રોફાઈલ હતી. તેઓ દારૂની સપ્લાય માટે સ્કોડા ફાબીયા, હોન્ડા સીટી અને ટાટા જેસ્ટ જેવી મોંઘીદાટ લક્ઝરી કારનો ઉપયોગ કરતા હતા. પોલીસે કાર અને બાઈક મળી કુલ 9 વાહનો જપ્ત કર્યા છે.
એસએમસીએ ગોવિંદ ઉર્ફે અબલુ નારણભાઇ મોરી, રાજુભાઈ નારણભાઇ મોરી, કૌશીકભાઈ નારણભાઈ મોરી, અતુલ ઉર્ફે અજીત ખરેડ, દેવેન્દ્ર ઉર્ફે દેવાભાઈ મોરી, યશ પોલાભાઇ મોરી, ગીગનભાઈ ગળચર, માંડાભાઈ કારાભાઈ મોરી, એક સગીરને ઝડપી પાડયો હતો.


