સાબરકાંઠા જિલ્લાના ઈડર-વલાસણા હાઇવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરીનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો લઈને આવતી બે કારોનો ઈડર પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો, જેમાં એક કાર ઉમેદગઢ ગામ નજીક પલ્ટી ખાઈ ગઈ હતી, જ્યારે બીજી કારનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો.
ઈડર વલાસણા હાઇવે પર દારૂની રેલમછેલ
પોલીસના સકંજામાંથી બચવા માટે બેફામ ઝડપે દોડી રહેલી દારૂ ભરેલી ક્રેટા કાર ઉમેદગઢ ગામ નજીક ડીપની દિવાલ તોડીને હવામાં ત્રણ વખત ફંગોળાઈ અને પલ્ટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માત બાદ રોડ પર કાટમાળ, કારના ટુકડા અને એન્જિન થોડે દૂર પડ્યા હતા. સદભાગ્યે, રાત્રિના સમયે વાહનોની અવરજવર ઓછી હોવાથી કોઈ મોટી જાનહાનિ થતાં ટળી હતી.
પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કારનો પલ્ટી
અકસ્માત સ્થળે હાઇવે પર દારૂ અને બિયરની હજારો બોટલોની રેલમછેલ જોવા મળી હતી. કારમાં સવાર શખ્સો ચાલતી કારમાંથી કૂદીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. બીજી તરફ, દારૂ ભરેલી કોર્ડ ઇકોસ્પોર્ટ કારનો ચાલક પણ પોલીસને ચકમો આપીને ઘટનાસ્થળેથી ભાગી પલાયન થયો હતો. ઈડર પોલીસે અકસ્માતગ્રસ્ત ક્રેટા કાર સહિત બંને વાહનો તેમજ દારૂ-બિયરની બોટલો મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, દારૂની હેરાફેરી કરનારા શખ્સો ફરાર હોવાથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ચાંપતા બંદોબસ્ત છતાં સરહદ પરથી દારૂની હેરાફેરી યથાવત હોવાનો ભાંડો ફોડ્યો છે.
આ પણ વાંચો: હોંગકોંગના રહેણાંક ટાવર્સમાં ભીષણ આગમાં 44 લોકોના મોત; ઘણા ગુમ થવાની આશંકા
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d


