- આઉટેજને કારણે આખા વિશ્વમાં 8.5 મિલિયન ડિવાઈસિસને ખરાબ અસર
- આઉટેજને કારણે આખું વિશ્વ થંભી ગયું હતું
- ગ્લોબલ આઉટેજને કારણે ભારતમાં અનેક સ્થળે સેલ્સની કામગીરીને માઠી અસર
અમેરિકાની અગ્રણી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે ગ્લોબલ આઉટેજ પછી ખોરવાઈ ગયેલી તેની અનેક સેવાઓને ફરી શરૂ કરવા માટે હજારો એન્જિનિયરો અને નિષ્ણાતોને કામે લગાડયા હતા.
કંપનીએ તેનાં બ્લોગમાં જણાવ્યું હતું કે, તેનાં સાઈબર સિક્યુરિટી પાર્ટનર ક્રાઉડસ્ટ્રાઈક દ્વારા સિસ્ટમને અપડેટ કરવામાં આવતા આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો અને વિશ્વમાં કોમ્પ્યૂટર્સ તેમજ લેપટોપ આધારિત ઓનલાઈન સેવાઓ ઠપ થઈ ગઈ હતી. માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે તેનાં સર્વર ડાઉન થવાની આઉટેજને કારણે આખા વિશ્વમાં આશરે 8.5 મિલિયન ડિવાઈસને ખરાબ અસર થઈ હતી. આ પછી તેની ખોરવાઈ ગયેલી તમામ સેવાઓ શરૂ કરવા તેમજ ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધવા કંપનીએ હજારો એન્જિનિયર્સ તેમજ નિષ્ણાતોને કામે લગાડયા હતા. ગ્લોબલ આઉટેજને કારણે ભારતમાં અનેક સ્થળે સેલ્સની કામગીરીને માઠી અસર થઈ હતી અને એરલાઈન્સે વિમાનોને ગ્રાઉન્ડેડ કરવા પડયા હતા. હજારો ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. આઉટેજને કારણે આખુ વિશ્વ થંભી ગયું હતું અને વેપાર ધંધા તેમજ સિસ્ટમ ઠપ થઈ ગયા હતા.
એરલાઈન્સને વ્યાપક અસર
આઉટેજને લીધે એરલાઈન્સને વ્યાપક અસર થઈ હતી. એરપોર્ટસ અને એરલાઈન્સની કામગીરી ઠપ થઈ ગઈ હતી. પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરવી પડી હતી. ઈન્ડિગો, સ્પાઈસજેટ અને અકાસા એરલાઈન્સની ઓનલાઈન ચેક – ઈન તેમજ બોર્ડિંગ પાસ આપવાની કામગીરી બંધ થઈ જતા પ્રવાસીઓને હાથેથી લખેલા બોર્ડિંગ પાસ આપવા પડયા હતા. લાખો યૂઝર્સનાં સ્ક્રીન પર બ્લ્યૂ સ્ક્રીન ઓફ ડેથ જોવા મળતા હતા.
અનેક ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે મળીને કામગીરી
માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે તે ગૂગલ ક્લાઉટ પ્લેટફોર્મ (GCP) તેમજ એમેઝોન વેબ સર્વિસિસ (AWS) સહિત અન્ય ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે મળીને તેમજ હિતધારકો સાથે મળીને કામ કરી રહી છે. જેથી ઈન્ડસ્ટ્રીમાં તેનાં પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવાઈ શકાય અને ક્રાઉડસ્ટ્રાઈક તેમજ ગ્રાહકો સાથે રહીને વાતચીતની જાણ કરી શકાય. આ સમસ્યાએ અનેક વ્યવસાયીઓ તેમજ વ્યક્તિઓની રોજની કામગીરીમાં અવરોધો સર્જ્યા છે પણ અમારૂં ધ્યાન ગ્રાહકોને ટેકનિકલ માર્ગદર્શન અને સહાય આપવા તરફ છે. જેથી સિસ્ટમને સુરક્ષિત રીતે ઓનલાઈન ચાલુ કરી શકાય.


