રાજ્યવ્યાપી ઑપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરીને સાયબર ફ્રોડ આચરતી એક આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટ થકી છેતરપિંડી આચરતા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં નવસારીના ત્રણ અને સુરતના બે ગઠિયાઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ટોળકી મ્યુલ એકાઉન્ટ તૈયાર કરીને તેની બેંક કીટ દુબઈ મોકલતી હતી.
નવસારી પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે ટોળકીના 8 મ્યુલ એકાઉન્ટ શોધી કાઢ્યા છે. જેમાં રૂ.7 કરોડ 36 લાખથી વધુના વ્યવહારો થયા હતા અને આ એકાઉન્ટ્સ પર 31 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. પોલીસે 7 મોબાઇલ ફોન, 3 સિમ કાર્ડ, 12 પાન કાર્ડ, 12 ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને રોકડ રકમ સહિત રૂ.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


