પેટ્રોલપંપ પર લાંબી લાઇનમાં ઉભા રહી કંટાળ્યા લોકો
ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
સુરતમાં સપ્તાહમાં જ 3૦૦થી વધારે ઇલેકટ્રીક મોટર વ્હીકલની ખરીદી : દૈનિક ૨૦થી વધારે પૂછપરછ
અગ્ર ગુજરાત, સુરત
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. પેટ્રોલ પંપો પર લાગતી વાહનોની લાંબી કતારો અને ઇંધણની અનિશ્ચિતતાથી કંટાળેલા સુરતીઓએ હવે કાયમી વિકલ્પ શોધવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિનો સીધો ફાયદો ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરને મળ્યો છે. અછતની આશંકા વચ્ચે લોકો મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે, જેને કારણે શહેરના ઓટોમોબાઈલ માર્કેટમાં નવી તેજી જોવા મળી રહી છે.
આંકડાકીય માહિતી મુજબ, સુરતમાં છેલ્લા માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ કુલ 343 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. શોરૂમ સંચાલકોના જણાવ્યા અનુસાર, અગાઉ સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 20થી 25 ગ્રાહકો પૂછપરછ માટે આવતા હતા, જે આંકડો છેલ્લા એક સપ્તાહમાં વધીને 45થી 50 સુધી પહોંચી ગયો છે. આમ, ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર માટેની ઇન્કવાયરીમાં સીધો 100 ટકાનો ઉછાળો નોંધાયો છે.
બજારના ટ્રેન્ડ મુજબ, કુલ વેચાણ અને ઇન્કવાયરીમાં 80 ટકા હિસ્સો ‘લો-સ્પીડ’ વાહનોનો છે. ખાસ કરીને નાના વેપારીઓ, ડિલિવરી બોયઝ અને સ્થાનિક ફેરીયાઓ દ્વારા કોમર્શિયલ ઉપયોગ માટે આ વાહનોની માગ વધુ કરવામાં આવી રહી છે. હાઈ-સ્પીડ વાહનોની સરખામણીએ લો-સ્પીડ વાહનો સસ્તા હોવા ઉપરાંત તેમાં આરટીઓ રજિસ્ટ્રેશન કે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડતી નથી, જે વ્યવસાયિક ઉપયોગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
પેટ્રોલના સતત વધતા ભાવ અને પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર 15થી 20 પૈસા જેટલો આવે છે. સુરતમાં ચાર્જિંગ સ્ટેશનોની વધતી સુવિધા અને ઇકો-ફ્રેન્ડલી અભિગમને કારણે લોકો હવે માનસિક રીતે પેટ્રોલ એન્જિન છોડીને બેટરી સંચાલિત વાહનો અપનાવવા તૈયાર થયા છે. આગામી દિવસોમાં આ ડિમાન્ડ હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.


