નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિશ્વકક્ષાની સુવિધાઓ અને વ્યવસ્થા ગોઠવવાનું શરૂ
જૂનાગઢમાં યોજાતો મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સદીઓથી યોજાતા આ મેળાને આ વર્ષથી નવી ઓળખ આપવામાં આવી છે. સરકાર દ્વારા શિવરાત્રીના મેળાને મીની કુંભ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર અને સાધુ-સંતોના સંયુક્ત પ્રયાસોથી આ મેળાને સત્તાવાર રીતે ‘મિની કુંભ’ જાહેર કરવામાં આવ્યો છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા વિશ્વ કક્ષાની સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રાનંદગીરી બાપુએ તમામ ભાવિકોને આમંત્રણ પાઠવ્યું છે.
જ્યાં સતત ભજન અને ભોજન (અન્નક્ષેત્ર) ની સરવાણી વહેશે. મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળશે, જેમાં અદ્રશ્ય શક્તિઓ અને સિદ્ધ પુરુષોની ઉપસ્થિતિ હોવાની માન્યતા છે, રવેડીના અંતે સાધુઓ અને નાગા સંન્યાસીઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. એવી શ્રદ્ધા છે કે, સ્વયં મહાદેવ અને ગુપ્ત તપ કરતા સંતો આ કુંડમાં સ્નાન કરવા પધારે છે, આ મેળો સનાતન ધર્મનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડશે અને લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની ગોદમાં શિવમય બનશે જેનો લાભ લેવા આહવાન કર્યું છે.
ભકતોને કોઇ તકલીફ નહીં પડે : જગતગુરૂ
જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, ગિરનાર એ દત્ત મહારાજ અને માં અંબાનું બેસણું છે. અહીં વર્ષોથી ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર અને સંતોની ગાઈડલાઈન મુજબ આ વખતે વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે, ભકતોને પણ કોઈ તકલીફ પડશે નહી અને મેળાનો આનંદ માણી શકશે.


