હાલ સમગ્ર ગુજરાતમાં લગ્નની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામે એક પિતાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરી છે. મોટીચંદુર ગામના રહેવાસી અને ભારતીય જનતા પાર્ટીના આઈટી વિભાગમાં સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ગુજરાતની જવાબદારી સંભાળતા કલ્પેશભાઈ રથવીએ પોતાની દીકરી ડો. સંસ્કૃતિના લગ્નને પર્યાવરણને સમર્પિત એક યાદગાર પ્રસંગ બનાવ્યો છે.
કલ્પેશભાઈએ પોતાની પુત્રીને કરિયાવર સ્વરૂપે 500 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. આ નિર્ણય માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહેતા, તેમણે સમગ્ર લગ્ન પ્રસંગમાં પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુઓનો ઉપયોગ ન કરવાનો પણ દ્રઢ નિર્ણય લીધો હતો. આ પહેલ હેઠળ, ચાના કપ, છાશના પ્યાલા, અને નાસ્તા માટેની ડિશો જેવી તમામ સામગ્રીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને, પર્યાવરણનું જતન કરવાનો સંદેશ જાહેર મંચ પરથી અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લગ્નમાં માત્ર સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરીને આ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
આ પર્યાવરણલક્ષી અને સામાજિક જવાબદારીના પગલાની શરૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉત્તર ગુજરાતના પ્રવાસે હતા તે દરમિયાન મોટીચંદુર ગામે કલ્પેશભાઈ રથવીની પુત્રી ડો. સંસ્કૃતિ અને સૌભાગવતી ભવના લગ્ન પ્રસંગમાં વિશેષ હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ જાતે એક વૃક્ષ વાવીને લગ્ન પ્રસંગની શરૂઆત કરાવી હતી અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સામાન્ય રીતે, માતા-પિતા પોતાના સંતાનોના સુખ માટે આજીવન સંઘર્ષ કરીને કાળી મજૂરી કરતા હોય છે. તેઓ જીવનભરની મૂડી એકઠી કરીને સંતાનોના લગ્ન ધામધૂમથી ઉજવે છે, જેથી તેમની દીકરીને કોઈ કચાશ ન રહીજાય. પિતાનું આખું જીવન પોતાના સંતાનોને સુખી જોવાની ઇચ્છામાં સમર્પિત હોય છે. એવામાં કલ્પેશભાઈ રથવીએ દીકરીને માત્ર ભૌતિક સુખ-સુવિધાઓ આપવાને બદલે, પર્યાવરણ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું મૂલ્ય આપતો ‘500 વૃક્ષો’નો કરિયાવર આપીને, પિતૃપ્રેમની એક નવી અને ઉમદા પરિભાષા રચી છે.
આ લગ્ન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરી અને કલ્પેશભાઈ રથવીની અનોખી પહેલ, અન્ય સમાજ અને પરિવારો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણપૂરું પાડે છે કે લગ્ન જેવા શુભ પ્રસંગોને પણ સામાજિક અને પર્યાવરણીય જાગૃતિના મંચ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


