ગરમીને પણ ઠંડીબોર કરતુ ગ્રીન વિલેજ
ઉનાળામાં પણ બે-ત્રણ ડિગ્રી મોંઘુ નોંધાતુ તાપમાન : ૧૦ વર્ષ પહેલા ૨૦ યુવાનોએ કરી હતી વૃક્ષારોપણની શરૂઆત
ગામની ચોતરફ લીંબડા, ટોલ્ટાફોમ, નિલગીરી, ગુલમોહર, ઉમરા, વડ, સરૂ અને કબજી સહિતના ૬૪૦૦ વૃક્ષોનું ગ્રીન કવર
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો છે. કાળઝાળ ગરમીમાં જ આપણને વૃક્ષોની કિંમત સમજાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલું ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં ગામની વસ્તી કરતા ત્રણ ગણા વધુ વૃક્ષો છે અને ગ્રામજનો હજી પણ વધુમાં વધુ વૃક્ષો વાવી રહ્યા છે. કચ્છના નાના રણથી 5 કિમી દૂર આવેલા પાટડીના માલણપુર ગામમાં 1400 લોકોની વસ્તી સામે વૃક્ષોની સંખ્યા પ્રતિ વ્યક્તિ 7 એટલે કે 9500થી વધુની છે. દર ઉનાળે આ ગામનું તાપમાન આજુબાજુના વિસ્તારથી બે-ત્રણ ડિગ્રી ઓછું જોવા મળે છે.
રાજ્યમાં પ્રતિહેક્ટરે વૃક્ષોની સંખ્યા 14.25 છે. તેની સામે ઝાલાવાડમાં માત્ર 4.15 વૃક્ષ છે. તેવામાં માલણપુર ગામે રણપ્રદેશમાં લીલોતરીની એક નાની ઉમ્મીદ જગાવી છે. લીલોતરીની ઉમ્મીદની શરૂઆત 10 વર્ષ અગાઉ થઇ હતી. ગામ તળાવ ફરતે ગંદકી અને દબાણને દૂર કરવા ગામના 20 જેટલા યુવાનોએ રોપા વાવવાની શરૂઆત કરી હતી. તે વખતે ફોરેસ્ટર ઝીણાજી લેંચીયાએ સરકારમાંથી કાંટા અને પીંજરાનો લાભ અપાવ્યો હતો અને માજી સરપંચ પરષોત્તમ જાદવે પંચાયતના બોરમાંથી નળ આપી ત્રણ વર્ષ સુધી જીવના જેમ રોપાનો ઉછેર કર્યો હતો.
માલણપુર ગામમાં પ્રવેશતા જ તળાવની પાળે, મંદિરના ફરતે કે રસ્તાની બન્ને બાજુ લિલાછમ્મ હવા સાથે વાતો કરતા ગગનચુંબી વૃક્ષો લહેરાતા જોવા મળે છે. ગામની ચારેતરફ લીંબડા, પેલ્ટાફોમ, નિલગીરી, ગુલમહોર, ઉમરા, વડ, સરૂ અને કળજી મળી 6400 વૃક્ષો, બુટભવાની માતાનાં મંદિર પરિસરમાં 1100 વૃક્ષો, મુખ્ય રસ્તાની બન્ને તરફ 1000 વૃક્ષ અને 2 લાખના ખર્ચે સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. જેને લઇને ગામના તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. હવે ગામમાં બાકી રહેલી જગ્યામાં પણ 300થી 400 રોપા વાવવાનો નિર્ણય લેવાયો છે.
ગામના સરપંચ દિલીપ બુટીયાએ જણાવ્યું કે, ગામમાં જયારે વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે ગામમાં ચારેબાજુ જંગલી બાવળો જ હતા, બાદમાં ગ્રામજનોએ આ જંગલી બાવળો દૂર કરવાનું નક્કી કર્યું. જંગલ ખાતાએ અમને સાથ આપ્યો અને એમની સાથે ગામના યુવાનોએ રાત દિવસ હાજરી આપી ગામની કાયા પલટ કરી. વૃક્ષો માટે પાણીની પાઈપલાઈન નાખેલી છે. ઉનાળામાં ગામના તળાવમાં પાણી ન ખૂટતું હોવાથી બહારગામના લોકો ઢોરને પાણી પીવડાવવા અહીં આવે છે. અમારા ગામને અલગ અલગ ત્રણ યોજનામાં એવોર્ડ પણ મળેલા છે.
ગામના ઉપસરપંચ મનીષાબેન જાદવ જણાવે છે કે, ગામમાં 8500 વૃક્ષો હતા પણ અમે તાજેતરમાં બીજા 1,000થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. અમારા ગામનું તાપમાન આકરા ઉનાળામાં અન્ય ગામો કરતા ઓછું રહે છે, આથી આજુબાજુના ગામના લોકો મુલાકાત લેવા આવે છે.
અન્ય પાયાની પણ પૂરતી સુવિધા
ગામમાં વૃક્ષો ઉપરાંત પણ અન્ય પાયાની સુવિધાઓ સજ્જ છે. ગામની મહિલાઓ સહિત તમામ ગ્રામજનો દ્વારા દર રવિવારે ગામના તમામ વિસ્તારમાં સઘન સફાઇ પણ કરવામાં આવે છે. માલણપુરનાં ગ્રામજનો દ્વારા લોકફાળો કરી સમગ્ર ગામને અંદાજે 2 લાખના ખર્ચે 28 સીસીટીવી કેમેરા વડે આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયુ છે અને આગામી દિવસોમાં આખા ગામને વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવાની પણ તૈયારીઓ થઇ રહી છે. 100 % શૌચાલયની સુવિધાથી સજ્જ એવા માલણપુરમાં આઝાદી બાદથી માત્ર એક જ વખત ચૂંટણી યોજાઇ છે.


