- પાકિસ્તાનમાં જનતાને અસહ્ય મોંઘવારીનો ડામ
- પાકિસ્તાનમાં ભેંસ ભાગોળે છાશ છાગોળે જેવો ઘાટ
- એક તરફ આતંકવાદ બીજી તરફ મોં ફાડી ઊભી રહેલી મોંઘવારી
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી બાદ હજુ સુધી નવી સરકાર બની શકી નથી. રખેવાળી સરકારે પ્રજા પર ફરી એકવાર મોંઘવારીનો બોજ નાખ્યો છે. મોંઘવારીથી પાકિસ્તાની લોકોની કમર તૂટી ગઈ છે. સરકારે પેટ્રોલ અને ડીઝલની સાથે એલપીજીના ભાવમાં ફરી એકવાર વધારો કર્યો છે.
ડીઝલ 8 રૂપિયાથી વધુ મોંઘું થયું છે
પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, ત્યાંની સરકારે પેટ્રોલની કિંમતમાં 2.73 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 8.37 રૂપિયાનો વધારો કર્યો છે. પાકિસ્તાન સરકારે ગુરુવારે (15 ફેબ્રુઆરી) રાત્રે કિંમતોમાં વધારા અંગે આદેશ જારી કર્યો હતો.
પાકિસ્તાન સરકારના આદેશ અનુસાર આગામી પખવાડિયા માટે આ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં 16 ફેબ્રુઆરીથી પેટ્રોલનો ભાવ 275.62 રૂપિયા અને હાઈ સ્પીડ ડીઝલનો ભાવ 287.33 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. અગાઉ પાકિસ્તાનમાં પેટ્રોલ 272.89 રૂપિયા અને ડીઝલ 278.96 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું.
પાકિસ્તાનના નાણા મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે જારી કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું કે તેલ અને ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીની ભલામણોને પગલે સરકારે આગામી પખવાડિયા માટે પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાતમાં કેરોસીન તેલ અને લાઇટ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનમાં પેટ્રોલ અને હાઈસ્પીડ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 4-11 રૂપિયાના વધારાનો અંદાજ છે.
ગૅસ ભાવમાં 67 ટકા વધારાને મંજૂરી
ગુરુવારે રાત્રે જ જારી કરાયેલા એક આદેશમાં પાકિસ્તાની કેબિનેટે 1 ફેબ્રુઆરીથી કુદરતી ગૅસના ટેરિફમાં 67 ટકા વધારાને મંજૂરી આપી છે. વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, કાર્યવાહક વડા પ્રધાન અનવારુલ હક કાકરની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.


