૧૨ શખસોની અટકાયત : ઢાલ રોડ અને પાડાવાલા ચોક વિસ્તારમાં કાર્યવાહી
જૂનાગઢ પોલીસે ઢાલ રોડ અને પાડાવાલા ચોક વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવી કામગીરી કરી હતી. રહેણાંક મકાનો અને ડેલાઓની આડમાં ધમધમતા કતલખાના પર ત્રાટકેલી પોલીસે 31 અબોલ જીવોને બચાવી લીધા છે.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ એમ. પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પાડાવાલા ચોકના રહેણાંક મકાનોમાં અમુક શખ્સો કોઈપણ પરવાનગી કે લાયસન્સ વગર પશુઓની કતલ કરી રહ્યા છે. આ હકીકતને આધારે એલસીબી પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ અને એસઓજી પીએસઆઈ ડી.કે. સરવૈયાની અલગ-અલગ ટીમો બનાવી વહેલી સવારથી જ આ વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી અત્યંત ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં પશુઓને ઘાસચારા કે પાણી વગર ટૂંકા દોરડાથી બાંધી કતલ કરવાની તૈયારી રાખવામાં આવી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી 1 ભેંસ, 23 પાડા, 4 પાડી અને 3 બકરી મળી કુલ 31 પશુ જીવને જીવતા બચાવ્યા છે. આ પશુઓને તાત્કાલિક સુરક્ષિત કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલીસે સ્થળ પરથી 1050 કિલો માસ જેની કિંમત 2,10,000 ચામડા અને હોજરીનો કચરો, 9 કુહાડી, 14 છરી, 2 વજન કાંટા, હિસાબની ડાયરી, 70,000 રોકડ અને 10 મોબાઈલ ફોન સહિત કુલ 5,48,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ગુનામાં પોલીસે કુલ 12 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં મકબુલ કાલુભાઈ ખંભાતી, અનીશ મહમદહુસેન બેલીમ, આકીબ અહેમદભાઈ બેલીમ, અફરોઝ મકબુલભાઈ ખંભાતી, નઈમ હનીફભાઈ કચરા, અકીલ કાલુભાઇ બેલીમ, મુનાવર ઇબ્રાહીમભાઈ બેલીમ, ગુલ્લુભાઇ ઇબ્રાહીમભાઈ બેલીમ, ફઝલ નજીરભાઈ બેલીમ, સાજીદ ઇબ્રાહીમભાઇ બેલીમ, એઝાઝ અહેમદભાઈ બેલીમ અને દાઉદભાઈ સકુરભાઈ મેમણનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 325, 292, 54 તેમજ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને ગુજરાત પ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


