રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની સંયુકત સચિવ તરીકે નિયુકિત
પરિવહન મંત્રાલયમાં જવાબદારી : ગુજરાત કેડરના ચાર અધિકારીની કેન્દ્રમાં ઉચ્ચ હોદા પર જવાબદારી સોંપાઇ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ભારત સરકારની મંત્રીમંડળ નિયુક્તિ સમિતિએ દેશભરના કુલ 48 વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય નિયુક્તિઓને મંજૂરી આપતા ગુજરાત કેડરના 4 અધિકારીઓને મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કર્યા છે. આ તમામ નિમણૂકો પે-મેટ્રિક્સના લેવલ-14 મુજબ કરવામાં આવી છે, જે સંયુક્ત સચિવ અથવા તેના સમકક્ષ દરજ્જાની હોય છે.
નિયુક્તિ પામેલા અધિકારીઓમાં વિપુલ અગ્રવાલ (IPS, 2001 બેચ)ને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદીપસિંહ (IFoS, 2005 બેચ)ને નીતિ આયોગમાં સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે સંયુક્ત સચિવ સમકક્ષ પદ છે.
કેન્દ્ર સરકારમાં સંયુક્ત સચિવ અથવા તેના સમકક્ષ પદ પર નિમણૂક માત્ર IAS અધિકારીઓ પૂરતી મર્યાદિત નથી. કેન્દ્રિય સ્ટાફિંગ યોજના (Central Staffing Scheme) તથા કેબિનેટની નિયુક્તિ સમિતિ (ACC)ના નિયમો મુજબ, IPS, IFoS સહિત અન્ય ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓને પણ તેમની સિનિયોરિટી, અનુભવ અને કાર્યક્ષમતાના આધારે સંયુક્ત સચિવ કક્ષાના પદ પર નિયુક્ત કરી શકાય છે. આ નિયુક્તિઓ સામાન્ય રીતે પે-મેટ્રિક્સ લેવલ-14 હેઠળ થાય છે, જે સંયુક્ત સચિવ સ્તર સમકક્ષ ગણાય છે. આ જ નિયમોના આધારે ગુજરાત કેડરના વિપુલ અગ્રવાલ (IPS, 2001)ને ઉત્તર-પૂર્વ વિસ્તાર વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે
તે ઉપરાંત, હાર્દિક સતીશચંદ્ર શાહ (IAS, 2010 બેચ)ને વડાપ્રધાન કાર્યાલયમાં અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે અત્યંત મહત્વપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ પદ ગણાય છે. જ્યારે ઉદિત અગ્રવાલ (IAS, 2008 બેચ)ને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત કેડરના અધિકારીઓને કેન્દ્રમાં મળેલી આ મહત્વપૂર્ણ જવાબદારીઓ રાજ્ય માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. વહીવટી ક્ષેત્રમાં ગુજરાતના અધિકારીઓની પ્રતિભા અને કાર્યક્ષમતા ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબિંબિત થઈ છે.


