દારૂના ગુનામાં પાંચ મહિનાથી નાસતો ફરતો રીઢો ગુનેગાર જીતેન્દ્ર ઉર્ફે જીત ઝબ્બે
LCB ઝોન-2 ની ટીમે વાવડી વિસ્તારમાંથી આરોપીને દબોચ્યો: અગાઉ DCB અને વીરપુર પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યો છે
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાના પગલે LCB ઝોન-2 ની ટીમને મોટી સફળતા મળી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આરોપી જીતેન્દ્રને પોલીસે ઝડપી લીધો છે.
LCB ઝોન-2 ના પીએસઆઈ આર.એચ. ઝાલા અને તેમની ટીમે બાતમીના આધારે તથાગતનગર, વાવડી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે જીત કાંતીભાઇ સોંદરવાને ઝડપી પાડ્યો હતો. આ આરોપી રાજકોટ તાલુકા પોલીસ મથકના દારૂના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે. તે અગાઉ પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને વીરપુર પોલીસ સ્ટેશનમાં દારૂના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે.
આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક અને ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં પીએસઆઈ આર.એચ. ઝાલાની આગેવાનીમાં એએસઆઈ જયંતીભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા તથા હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા તથા શિવભદ્રસિંહ ગોહિલે મહત્વની ભૂમિકા ભજવી હતી.


