જસદણના ફ્લોર મિલના વેપારીને જેતપુરની બે પેઢીએ રૂ.4.30 લાખનો ચૂનો લગાવ્યો
શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવી વિશ્વાસ જીત્યો, બાદમાં 450 બેગ લોટ ઉધારમાં મંગાવી પેમેન્ટ આપવાનું બંધ કર્યું : દુકાનો બંધ કરી સંચાલકો ગાયબ થતાં જસદણ પોલીસમાં ચાર શખ્સો સામે ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
વેપારમાં પહેલાં વિશ્વાસ કેળવવો અને ત્યારબાદ ઉધારમાં માલ મંગાવી નાણાં ચૂકવ્યા વિના હાથ ઊંચા કરી દેવાની મોડસ ઓપરેન્ડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જસદણના આટકોટ રોડ પર ફ્લોર મિલ ધરાવતા વેપારી પાસેથી જેતપુરની બે ટ્રેડિંગ પેઢીના સંચાલકોએ ઘઉંના લોટની બેગો મંગાવી લીધી હતી. શરૂઆતમાં નાના ઓર્ડરના નાણાં સમયસર ચૂકવી વેપારીનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ મોટા જથ્થામાં માલ મંગાવી કુલ રૂ.4.30 લાખનું પેમેન્ટ અટકાવી દીધું હતું. વેપારીએ ઉઘરાણી શરૂ કરતાં વાયદા કરવામાં આવ્યા અને બાદમાં બંને પેઢીઓની દુકાનો બંધ કરી દેવામાં આવતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ અંગે જસદણના ચિતલિયા કુવા રોડ પર ગજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય વેપારી હિતેષભાઈ નારણભાઈ ભુવાએ કપિલ વી. નથવાણી, દેવ ઉમેશ ગણાત્રા, ધવલકુમાર ચીમનલાલ ધોળકિયા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ હિતેષભાઈએ વર્ષ 2021માં ભાગીદાર સુરેશભાઈ ટાઢાણી સાથે જસદણ-આટકોટ રોડ પર સ્વરા એક્સપોર્ટ ફ્લોર મિલ શરૂ કરી હતી. દરમિયાન તા.1 જુલાઈ 2026ના રોજ કપિલ નથવાણી અને દેવ ગણાત્રા તેમની પેઢીએ આવ્યા હતા અને જેતપુરમાં અક્ષર ટ્રેડિંગ નામે વેપાર કરતા હોવાનું જણાવી ઘઉંના લોટની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. શરૂઆતમાં 70 બેગ લોટનો માલ લઈ રૂ.64 હજાર ચૂકવ્યા બાદ તા.23 જુલાઈએ ફરી 70 બેગનો ઓર્ડર આપ્યો હતો, જેના રૂ.62,800 પણ ચૂકવી દીધા હતા.
ત્યારબાદ તા.2 ઓગસ્ટે 100 બેગ લોટનો રૂ.92,950નો માલ ઉધારમાં લઈ તેના નાણાં પણ હપ્તાવાર ચૂકવી દીધા હતા. આ રીતે શરૂઆતના વ્યવહારોમાં નાણાં સમયસર મળતાં વેપારીને બંને શખ્સો પર વિશ્વાસ બેઠો હતો. જોકે, ત્યારબાદ તા.12 ઓગસ્ટે 120 બેગ લોટના રૂ.1,12,900 અને તા.21 ઓગસ્ટે 130 બેગના રૂ.1,26,600નો માલ મંગાવી પેમેન્ટ અટકાવી દીધું હતું. આમ અક્ષર ટ્રેડિંગના સંચાલકો પાસેથી કુલ રૂ.2,39,500 લેવાના બાકી નીકળતા હતા.
વેપારીએ નાણાંની ઉઘરાણી શરૂ કરતાં બંને શખ્સોએ એક અઠવાડિયામાં તમામ રકમ ચૂકવી દેવાના વાયદા કર્યા હતા. જોકે, ત્યારબાદ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યા હતા. વેપારી જેતપુરમાં અક્ષર ટ્રેડિંગની દુકાને પહોંચ્યા ત્યારે દુકાન બંધ હતી અને પેઢીનું બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આસપાસ પૂછપરછ કરતાં ભાડે દુકાન રાખીને વેપાર કરતા આ શખ્સો છેલ્લા 15 દિવસથી દુકાન બંધ કરી જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ જેતપુર યાર્ડમાં શ્રી ક્રિષ્ના ટ્રેડિંગ નામે પેઢી ધરાવતા ધવલકુમાર ધોળકિયા અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે તા.15 ઓગસ્ટે હિતેષભાઈનો સંપર્ક કરી લોટનો વેપાર શરૂ કર્યો હતો. શરૂઆતના બે ઓર્ડરના નાણાં સમયસર ચૂકવી દેતાં વેપારીને આ પેઢી પર પણ વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ તા.10 સપ્ટેમ્બરે 200 બેગ લોટનો રૂ.1,90,500નો માલ મંગાવી લીધો હતો, પરંતુ તેના નાણાં આજદિન સુધી ચૂકવ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આમ, બંને પેઢીના સંચાલકોએ શરૂઆતમાં નાણાં ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ મોટા પ્રમાણમાં લોટનો માલ મેળવી કુલ રૂ.4,30,000નું પેમેન્ટ નહીં કરી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. અંતે વેપારીએ જસદણ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ચાર શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


